જંતુનાશક દવાઓના ઉપયોગ સમયે ખડૂતો આટલી કાળજી રાખે

હિન્દ ન્યુઝ, સુરત 

  ખરીફ સિઝનમાં ખેતીપાકોમાં રોગ-જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે ખેડૂતમિત્રો અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરતાં હોય છે. શક્ય હોય ત્યાં સુધી સંકલિત જીવાત નિયંત્રણ અપનાવવાથી સાવધાનીથી અને ઓછા ખર્ચે રોગ-જીવાતોનું નિયંત્રણ થતું હોય છે. તેમ છતાં જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો થાય તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ નિયત પદ્ધતિઓથી છંટકાવ કરવો જોઈએ. અને છંટકાવ વખતે નીચે મુજબની બાબતો ધ્યાને રાખવા સંબંધિત ખેડૂતોને ભલામણ છે. જંતુનાશક દવાઓના ઉપયોગ પહેલાં ધ્યાનમાં રાખવાની કાળજીઓમાં જોઈએ તો-  સૌપ્રથમ જંતુનાશક દવાઓને કબાટમાં કે અન્ય સલામત જગ્યાએ લોક કરીને રાખવી જોઈએ જેથી બાળકો અને પાલતુ પ્રાણીઓ તેના સુધી પહોંચે નહીં.  દવાઓને તેના મૂળ પેકિંગમાં જ રાખવી. પેકીંગ ખોલતી વખતે દવા શરીરના કોઇ ભાગ પર ન પડે તેની સાવચેતી રાખવી.  જંતુનાશક દવાઓને ખાદ્યપદાર્થો, ઔષધો સાથે કદાપિ સંગ્રહ ન કરતા અલગ જગ્યાએ રાખવી. દવાઓને ઝેરી સ્ફોટક રસાયણોથી દૂર રાખવી.  જંતુનાશક દવાનું પેકિંગ હંમેશા ખુલ્લા વાતાવરણમાં ખોલવું. દવાઓની હેરફેર તેમજ છંટકાવ કરતી વખતે રક્ષણાત્મક કપડાનો ઉપયોગ કરવો. હેરફેર કરતા પહેલા તેની સાથે આપેલી માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો અને તે પ્રમાણે પગલાં લેવા.  જંતુનાશક દવા, ફુગનાશક દવા, નિંદામણનાશક દવાનો ઉપયોગ જે તે જીવાત, ફુગ કે નિંદામણની સાચી ઓળખ તેમજ તેની અવસ્થા ધ્યાને લઇ તે મુજબની યોગ્ય દવા યોગ્ય માત્રામાં, યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરવાથી તેનું ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.  જે તે દવાના ઝેરના ટકા અથવા સક્રિય તત્વના ટકા ધ્યાને લઇ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ તેની માત્રા જાળવવાથી તેની આડઅસરોથી પાક તેમજ ઉપયોગી કિટકોને બચાવી શકાય છે અને બિનજરૂરી ખર્ચ ઘટાડી શકાય છે.  દવાઓના છંટકાવમાં સારી હાલત ધરાવતો પંપ તેમજ યોગ્ય નોઝલનો ઉપયોગ કરવાથી છંટકાવમાં દવાનો વ્યય અટકાવી શકાય છે. દવા છંટકાવ માટે ઉપયોગમાં લેવાનો થતો પંપ ભુકી તેમજ ચોખ્ખા પાણીથી સાફ કરી ઉપયોગમાં લેવો જેથી આગળની દવાની આડઅસરો નિવારી શકાય.  દવાનો છંટકાવ છોડના દરેક ભાગો પર થાય તે રીતે હવાની વિરૂદ્ધ દિશામાં પાછલા પગે ચાલીને તેમજ શક્ય હોય ત્યાં સુધી દવાનો છંટકાવ વહેલી સવાર અથવા સાંજના સમયે પવન વગરના શાંત વાતાવરણમાં કરવાથી તેના સારા પરિણામ મેળવી શકાય છે.  દવાનું મિશ્રણ ખુલ્લી જગ્યામાં કરવું તેમજ આવું મિશ્રણ ખુલ્લા હાથથી ન કરતાં નાની લાકડી કે સળીયાનો ઉપયોગ કરવો અને ઉપયોગ બાદ તેનો સલામત રીતે નાશ કરવો.  જંતુનાશક દવાના છંટકાવ વખતે દવાના બારીક રજકણો છાંટનાર વ્યક્તિના શ્વાસોચ્છવાસ કે શરીરના સીધા સંપર્કમાં ન આવે અને તેની ઝેરી અસરથી બચી શકાય તે માટે રક્ષણાત્મક સાધનો જેવા કે એપ્રોન અથવા જાડો સફેદ ખાદીનો ઝભ્ભો, ચશ્મા, હાથ મોજા, બુટ, ગેસ માસ્ક વગેરેનો અવશ્ય ઉપયોગ કરવો.  જે વ્યક્તિના શરીર પર ઘા કે કાપા પડેલ હોય તેવી વ્યક્તિઓએ જંતુનાશક દવાનું મિશ્રણ કે તેનો છંટકાવ કરવાના કામથી દૂર રહેવું. દવાનું દ્રાવણ બનાવતી વખતે કે છંટકાવ કરતી વખતે કોઇપણ ચીજવસ્તુ ખાવી જોઇએ નહીં.  દવાનાં છંટકાવ દરમ્યાન નોઝલ કામ કરતી બંધ થાય ત્યારે નોઝલ ખોલીને મોં વડે સીધી ફુંક ન મારતા, પાતળો તાર, સળી કે સોયનો ઉપયોગ કરવો.  દવા છાંટનાર વ્યક્તિને છંટકાવ દરમિયાન દવાની ઝેરી અસર થાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી. દવાની બોટલ સાથે લઇ જવાથી તાત્કાલિક સચોટ સારવાર મળી શકે છે.  છંટકાવ કર્યા બાદ પંપની ટાંકીમાં વધેલા પ્રવાહી મિશ્રણ રસ્તા, શેઢાપાળા, નિક કે નહેરમાં ન નાખતા જમીનમાં ઊંડો ખાડો કરી યોગ્ય રીતે નિકાલ કરવો અને દવાના ખાલી ડબ્બાઓ કે બોટલનો ફરી ઉપયોગ ન થાય તે માટે ભાંગી નાખી નાશ કરવો અને જમીનમાં ઊંડે દાટી દેવા.  દવાનો વપરાશ કર્યા બાદ દવા છાંટનાર વ્યક્તિએ હાથ, પગ, મોં વગેરે સાબુ અને ચોખ્ખા પાણીથી ધોવા અને સ્નાન કરવું. તેમજ દવા છાંટવા માટેના સાધનો પાણીની કુંડી, તળાવ, કુવા, ઝરણા કે નદીના પાણીમાં ધોવા નહીં.  જે ખેતરમાં દવાનો છંટકાવ થયેલ હોય ત્યાં ‘દવા છાંટેલ છે’ તેવું ચેતવણી દર્શાવતું બતાવતુ બોર્ડ મૂકવું. જેથી અજાણી વ્યક્તિ ખેતરમાંના ખાદ્ય પદાર્થનો ભૂલથી ઉપયોગ કરે નહીં. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે./ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(.વિ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા રાજ્યના ખેતી નિયામક, કૃષિભવન-ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે

Related posts

Leave a Comment