હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્યમાં સૌર ઊર્જા સંચાલીત સિંચાઇ પમ્પ સેટસ લગાવ્યાને પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા પંપ સેટસને વીજ લાઈન, ટ્રાન્સફોર્મર અને રીમોટ મોનીટરીંગ સીસ્ટમ સાથે નેટવર્ક ઉભું કરી ગ્રીડ સાથે જોડવા અંગેની યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લઇ શકે તે માટે પીજીવીસીએલ વર્તુળ કચેરી બોટાદ દ્વારા જુદા જુદા ગામોમાં કેમ્પના આયોજન કરવામાં આવેલ.આ કેમ્પ માં દરેક ખેડૂતોને યોજના અંગેની જરૂરી માહિતી આપવામાં આવેલ. જે ખેડૂત હયાત ઓફ-ગ્રીડ સોલાર પંપને ગ્રીડ સાથે જોડાણ કરવા માંગતા હોય તેને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
ઓફ-ગ્રીડ સોલારપંપ હયાત નજીકની ૧૧KV/ LT વીજ લાઈનથી એક કિલોમીટર અંતરે કે તેનાથી ઓછા અંતરે આવેલો હોવો જોઈએ.આ યોજનાનો લાભ લેવા માંગતા અરજદારોએ ગ્રીડ-ટાઈ ઇન્વર્ટર અને સંલગ્ન ACDB, DCDB, જરૂરી સુરક્ષા ઉપકરણો (Protection Devise) અને વસ્તુઓ IS સ્ટાન્ડર્ડ મુજબ તથા જો હયાત ઓફ-ગ્રીડ સોલારપંપ D.C. હોઈ તો તેને A.C. પમ્પમાં બદલવાનો ખર્ચ ખેડૂતે પોતે ભોગવવાનો રહેશે તથા પરંપરાગત ખેતીવાડી વીજ જોડાણ મેંળવવા માટે નિયમોનુસાર જે તે કેટેગરીના અરજદારને ભરવાપાત્ર અંદાજપત્રની રકમ તથા ગ્રીડ કનેક્ટીવિટી ચાર્જ ખેડૂતે જે તે વીજ વિતરણ કંપનીમાં ભરવાનો રહેશે.ટ્રાન્સફોર્મર સહિતનું વીજવિતરણ માળખું, ૧ કિમી સુધીની વીજલાઈન , મીટરીંગ સિસ્ટમ (નેટ મીટર, સોલાર મીટર, પંપ મીટર અને RMS સહીત) સ્થાપિત કરવાનો ખર્ચ રાજ્ય સરકાર દવારા ગ્રાન્ટ આપવામાં આવશે. આ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે નહી.
આ યોજનાનો લાભ લીધેલ અરજદારોની આવકમાં વધારો કરવા માટે ગ્રીડ કનેક્ટેડ સોલાર પંપ દવારા ગ્રીડમાં નેટ ઈન્જેકટેડ સરપ્લસ પાવર રૂ.૧.૭૫ પ્રતિ યુનિટના દરે વીજવિતરણ કંપની દવારા મૂળ ઓફ-ગ્રીડ સોલાર સિસ્ટમ સ્થાપિત થયાની તારીખથી કુલ ૨૫ વર્ષ સુધીના સમય સુધી ખરીદવામાં આવશે. (એટલેકે પાંચ વર્ષ પછીના વીસ વર્ષ ગણાશે).આમ આ યોજના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલ છે જેથી ખેડૂતો દ્રારા આ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકે તે ઇચ્છનીય છે. આ યોજનાની વિગતવાર માહિતી માટે નજીકની પીજીવીસીએલની પેટા-વિભાગીય કચેરીનો સંપર્ક સાધવો તેમ, પીજીવીસીએલ,વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર, બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.