હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્યભરમાં ચોમાસાના વધામણાં થયા છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 220 મી.મી. વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતો, પશુપાલકો અને અન્ય સ્થાનિકો ખુશખુશાલ થયા છે.
બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો ગઢડા તાલુકામાં સૌથી વધુ કુલ 250 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે બરવાળા તાલુકામાં કુલ 249 મી.મી.વરસાદ પડ્યો છે. રાણપુર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 208 મી.મી. વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે બોટાદ તાલુકામાં 172 મી.મી. વરસાદ પડ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં બોટાદ જિલ્લામાં વરસેલા કુલ વરસાદના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2020માં મેઘરાજા બોટાદ જિલ્લા પર ખુબ મહેરબાન થયા હતા. ગઢડા તાલુકામાં કુલ 1,463 મી.મી. વરસાદ પડ્યો હતો. જ્યારે બોટાદ તાલુકામાં 1,084 મી.મી. વરસાદ, બરવાળા અને રાણપુરમાં અનુક્રમે 880 અને 582 મી.મી. વરસાદ વરસ્યો હતો. વર્ષ 2020માં સમગ્ર બોટાદ જિલ્લામાં સરેરાશ 1,002 મી.મી. વરસાદ પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 વર્ષમાં બોટાદ જિલ્લામાં કુલ સરેરાશ 631 મી.મી. વરસાદ પડી ચુકયો છે. જિલ્લાના ચારેય તાલુકામાં 678 મી.મી. વરસાદ સાથે બરવાળા તાલુકો મોખરે છે. રાણપુર તાલુકામાં 656 મી.મી., બોટાદ તાલુકામાં 602 મી.મી. જ્યારે ગઢડા તાલુકામાં 588 મી.મી. સરેરાશ વરસાદ છેલ્લા 30 વર્ષ દરમિયાન નોંધાયો છે.