જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ડી.આર.પટેલને ભાવસભર વિદાય આપતો જિલ્લા પંચાયતનો કર્મચારી ગણ

 હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના ઇજનેર ડી.આર. પટેલની તાપી ખાતે બદલી થતાં તેમનો વિદાયમાન સમારોહ જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ ખાતે ગઈકાલે સાંજે યોજાયો હતો.

પટેલના આ વિદાય સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા પંચાયતનો સ્ટાફ પણ જોડાયો હતો.

આ વિદાય અવસરે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે, ડી.આર.પટેલના કાર્યકાળમાં ભાવનગર જિલ્લામાં પાણીના અનેક કામો સફળતાપૂર્વક તેમની કૂનેહથી પૂરાં થયાં છે.

તેમણે છેલ્લાં ચાર વર્ષથી ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવીને કરેલા કાર્યો માટે તેમણે હંમેશા યાદ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી. આર.પટેલે રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્યકક્ષાના છ એવોર્ડ જીતીને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારેલું છે. આ ઉપરાંત ઇજનેરી ક્ષેત્ર માટે રાષ્ટ્રીય કક્ષાએ અપાતાં ‘સ્કોચ એવોર્ડ’ માટે પણ તેમની પસંદગી થયેલી છે.

ભાવનગર જિલ્લામાં આવેલાં ભાલ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યા હતી. જે તેમણે લાંબી કેનાલ બનાવીને વર્ષોથી પાણી ભરવાની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આઝાદીના અમૃત વર્ષ પ્રસંગે દેશના તમામ જિલ્લાઓમાં ૭૫ સરોવર નિર્માણના કરેલાં આહવાનને ઉપાડી લેતાં ભાવનગરમાં ૧૦૦ તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સિવાય પણ અનેક ગામોમાં પીવાના પાણી તેમજ નર્મદાના નીર પહોંચે તે માટે તેમણે અગ્રીમ ભૂમિકા ભજવી હતી.
ભાવનગર જિલ્લામાં વર્ષઃ૨૦૧૮ થી કાર્યરત એવાં ડી.આર. પટેલનો યશસ્વી કાર્યકાળ પૂરો કરીને તાપી જિલ્લા ખાતે નવો ચાર્જ સંભાળવાં જઇ રહ્યાં છે ત્યારે સ્ટાફ મિત્રોએ તેમની સહ્યદતા અને મૈત્રીપૂર્ણ વ્યવહારના સ્મરણો વાગોળ્યાં હતાં.

સૌ સ્ટાફ મિત્રોએ તેમનું બુકે આપીને અભિવાદન કર્યું હતું અને ભાવી જગ્યા પર પણ યશસ્વી કામગીરી કરો તેવી શુભકામનાઓ આપીને તેમને ભાવસભર વિદાય આપી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment