હિન્દ ન્યુઝ, ભાવનગર
દેશની સરહદે આપણાં જવાનો ચટ્ટાનની જેમ ઉભાં છે તેથી આપણે દેશમાં શાંતિની ઉંઘ લઇ શકીએ છીએ. આ સૈનિકો માં ભારતીની રક્ષા કાજે પોતાનું બલીદાન આપતાં સહેજ પણ પાછી પાની કરતાં નથી.
માં ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર આવાં સૈનિકોની પાછળ તેમના પરિવારજનોને તેમના ગયાં બાદ કોઇ તકલીફ ન પડે તે માટે ભાવનગરના શહીદ સૈનિક પરિવાર ટ્રસ્ટ દ્વારા ‘ફુલ નહીં તો ફુલની પાંખડી’ રૂપે મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે.
દેશ માટે જાનેફાંસી કરનાર આવાં સૈનિકોનું ઋણ ચૂકવવા માટે આ મહિને જમા થયેલાં રૂા. ૬,૨૫,૦૦૦/- ની સહાય સૈનિકોના પરિવારજનોના ખાતામાં જમાં કરાવવામાં આવી હતી.અ
આ અવસરના સાક્ષી બનવાં માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ ઉપસ્થિત રહીને ટ્રસ્ટીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કલેક્ટરશ્રીએ દેશના સપૂતો માટે આવાં ઉમદા કાર્ય કરવાં માટે જિલ્લા તંત્ર વતીથી અભિનંદન પણ પાઠવ્યાં હતાં. અને આગળ પણ ટ્રસ્ટ દ્વારા આવો જ સહકાર મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, પરિવાર અને ભાવનગરનાં શ્રેષ્ઠીઓ દ્વારા છેલ્લાં ઘણાં સમયથી આ રીતે શહીદ સૈનિકનાં પરિવારને આર્થિક સહાય કરવામાં આવી રહી છે. ભાવનગરનાં ઘણાંબધાં સેવાભાવી વ્યક્તિઓ દ્વારા રૂ. ૩૦ થી માંડી રૂ. ૫,૦૦૦ સુધીની સહાય આ ટ્રસ્ટમાં પ્રતિ માસ જમા કરાવવામાં આવે છે. અને આ એકઠી થયેલ રકમને પ્રતિ માસ શહીદ સૈનિકનાં માતા/પત્નીનાં ખાતામાં જમા કરાવવામાં આવે છે.
આ માસની રકમ રૂ. ૬,૨૫,૦૦૦/- ભાવનગરના કલેકટર યોગેશ નીરગુડે તથા અગ્રણી ઉદ્યોગપતિ કિર્તીભાઈ ઠક્કર, પંકજભાઈ ભાયાણી, રાજુભાઈ બક્ષી, જનાર્દનભાઈ ભટ્ટ તથા ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં સી.આર.પી.એફ.ના ધર્મેન્દ્રકુમાર સિંઘ, શિવલાલ, શિશુપાલસિંઘ, બી.એસ.એફ.ના શૈલેન્દ્ર દુબે, દલ્વીસિંહ સરન, સી.આઈ.એસ.એફ.ના શંકરપ્રસાદ પટેલ, આઈ.ટી.બી.પી. ના રાજેન્દ્ર સિંઘ, એસ.એસ.બી. ના સુરેશ વાંજા, એન.ડી.આર.એફ. ના અંકેશકુમારના પરિવારજનોના ખાતામાં જમા કરાવી ટ્રસ્ટ દ્વારા શહીદ સૈનિકોનું ઋણ અદા કરવામાં આવ્યું હતું.
આ ટ્રસ્ટમાં કોઈપણ વ્યક્તિ પોતાનો સહયોગ આપવાં ઇચ્છતી હોય તો તેમને ફોન નંઃ ૦૨૭૮ – ૨૨૦૦૫૬૬ અથવા મો.નં. ૯૫૮૬૭ ૭૭૫૧૧ ઉપર સંપર્ક કરવાં આ ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આ ટ્રસ્ટમાં આપેલ અનુદાનની રકમ આવકવેરાની કલમ ૮૦-જી હેઠળ કરમુક્ત સહાયને પાત્ર છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી