હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જીલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખી બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૬ જુનથી નશાકારક પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની જિલ્લા વ્યાપી જાગૃતિ, સતર્કતા અને તકેદારીના અભિગમ સાથે અભિયાન રૂપી ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. જિલ્લાના નાગરીકો ખાસ કરીને કિશોર અને યુવાનોમાં જવાબદારીની ભાવનાઓ ઉત્તેજીત કરવા,નશાકારક પદાર્થો અને કેફી દ્રવ્યોનો દુરુપયોગ અટકાવવા તેની માંગ ઘટાડવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી “શેર ધ ફેક્ટઓન ડ્રગ્સ, સેવ લાઈફ” થીમ પર આગામી પખવાડીયા સુધી કાર્યક્રમો કરવામા આવશે.
પ્રસ્તુત ઉજવણીમાં યુવાનો અને કિશોરોની સહભાગીતા વધે તેવા હેતુસર તારીખ-૨૬ જુનથી “મારું બોટાદ, નશામુક્ત બોટાદ” થીમ પર શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રસ્તુત સ્પર્ધામાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા ધોરણ-૧ થી કોલેજ કક્ષાના તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે, સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓને પ્રમાણપત્રથી તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ