હિન્દ ન્યુઝ, ભાવનગર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જેસર તાલુકાના ધોરણઃ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના મહત્વપૂર્ણ નિર્ણય માટે અત્યંત ઉપયોગી એવો ‘નવી દિશા-નવું ફલક’ અંતર્ગતનો તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર જેસરના શ્રી બ.ગો. મહેતા વિદ્યાલય ખાતે યોજાયો હતો.
ગારિયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
ધારાસભ્યએ આ અવસરે જણાવ્યું કે, જીવનમાં જેટલું મહત્વ અભ્યાસનું છે તેટલું જ મહત્વ આ શિક્ષણ મેળવ્યાં બાદ સાચી કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે. આવાં કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થી કાળમાં જ વિદ્યાર્થીને પોતાની રસ-ઋચી મુજબના ક્ષેત્રમાં જવાં માટે શું કરવું તેની દિશા નક્કી કરવાં માટે રાજ્ય સરકારે રાજ્યભરમાં આવાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારોનું આયોજન કર્યું છે.
આજના યુવાનમાં પ્રતિભાની કોઇ ખામી નથી.જરૂર છે તેને સાચી દિશામાં વાળવાની. જો તેને સાચી દિશા મળી જશે તો તે તેના પસંદ કરેલાં ક્ષેત્રમાં ઉચ્ચતર શિખરો સર કરશે તેમાં કોઇ શંકા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ હતી. મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહેમાનો, અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ વગેરેનું પુષ્પગુચ્છ થી સ્વાગત થયાં બાદ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બીટ નિરીક્ષક શ્રી જે.બી વ્યાસ સાહેબે શાબ્દિક સ્વાગતથી સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યોને તેમને આવકાર આવકાર આપી બિરદાવ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી માનનીય જીતુભાઈ વાઘાણીના શુભેચ્છા સંદેશ સાથે કારકિર્દી માર્ગદર્શનની શરૂઆત થયાં બાદ આઈ.ટી.આઈ., એન્જિનિયરિંગ, ખેતીવાડી શાખા, આરોગ્ય શાખા, રોજગાર કચેરી દ્વારા ચાલતાં વિવિધ અભ્યાસક્રમો વગેરેની માહિતી જે- તે વિભાગના વડા અને અધિકારીઓએ આપી હતી.
રોજગાર કચેરી ભાવનગરનાં શ્રી ઉદયભાઈ પી.વ્યાસ, પોલીટેક્નિક કોલેજ, ભાવનગર, આઈ.ટી.આઈ.જેસર, હેલ્થ વિભાગ, જેસર,કૃષિ અને પશુપાલન વિભાગ વગેરે વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાર્થના-દીપ પ્રાગટ્ય બાદ શાળાના ઈન્ચાર્જ આચાર્ય આર.જે.ગુજરીયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આભારવિધિ ગોલ્ડ સ્કૂલ,જેસર નાં આચાર્ય ગણપતસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કે.આર.વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવાં માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરનાં AEI ઘનશ્યામભાઈ બારૈયા, શાળાના ટ્રસ્ટી શાંતિભાઈ મહેતા, શાળાના ઈન્ચાર્જ આચાર્ય આર.જે.ગુજરીયા, સુપરવાઈઝર એન.બી.સરવૈયા, જેસર તાલુકાની માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં આચાર્યઓ તથા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
આ સેમિનારમાં તાલુકા પંચાયત, જેસરના પ્રમુખશ્રી અતુલભાઈ નૈયારણ, ગ્રામ પંચાયતના વિરેન્દ્રસિંહ જે.સરવૈયા, જેસર ગ્રામના અગ્રણી માન. બડુમામા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. જેસરની માધ્યમિક શાળાના આચાર્યઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં આ સેમિનારનો લાભ લીધો હતો
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી