હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ખાતે આજરોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી., ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામ્યકક્ષાની જરૂરિયાતમંદ મહિલાઓના સ્વ-સહાય જૂથોને બેન્ક સાથે લીન્ક કરવાના હેતુ સાથે કેશ ક્રેડિટ કેમ્પ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ધીરૂભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભા વાઘેલાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, બહેનો આર્થિક રીતે પગભર થઈ શકે અને કોઈની પાસે હાથ લંબાવવો ન પડે તે માટે સરકારએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે. આ કેશ ક્રેડીટ કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગ્રામીણ બહેનોને આર્થિક, સામાજિક રીતે પગભર બનાવવા સરકારશ્રીએ અનેક યોજના અમલી બનાવી છે. ઉપરાંત તેમણે મહિલાલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ચેક વિતરણ, કેશ ક્રેડિટ મંજૂરી પત્રો શ્રેષ્ઠ ત્રણ બેંક સખી/બી.સી.સખી/ડી-જીપે સખીઓનું અને શ્રેષ્ઠ બેંક મેનેજરઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૫૪ જેટલી મહિલાઓ સહભાગી બની હતી તેમજ આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે તમામ બહેનો અને બેંક મેનેજર, અધિકારીઓ તેમજ મહાનુભાવો દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત વિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ટી.એમ.મકવાણાએ કરી હતી.
આ કાર્યક્રમમાં ઇન્દુબા ભગવતસંગ દાયમા ચેરમેન- કારોબારી સમિતિ, જીલ્લા પંચાયત, બોટાદ, શ્રીમતી. દયાબેન નરશીભાઈ અણીયાલીયા ચેરમેન- શિક્ષણ સમિતિ, જીલ્લા પંચાયત, બોટાદ, જેઠીબેન પાલાભાઇ પરમાર ચેરમેન-સામાજિક ન્યાય સમિતિ, જીલ્લા પંચાયત બોટાદ, પી.બી.પટેલ પ્રમુખ, તાલુકા પંચાયત, બોટાદ, શ્રીમતી માણિકબેન ભુપતભાઈ મેર ઉપપ્રમુખ, તાલુકા પંચાયત, બોટાદ ભુપતભાઈ ઝામ્બુકીયા તાલુકા ભાજપ પ્રમુખ, બોટાદ, તાલુકા વિકાસ અધિકારીઓ, ડી.ડી.એમ. નાબાર્ડ, એલ.ડી.એમ., ડાયરેક્ટર આરસેટી, બેંકર્સ સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ