જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે રજૂ કરેલાં પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે માટે જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓને કલેકટરએ સૂચના આપી હતી.

આ બેઠકમાં ભાવનગર જિલ્લામાં પંચાયત અને સ્ટેટના ગેરંટીવાળા રોડના પ્રશ્નોના નિરાકરણ, મહી પરિએજ યોજના, સિહોર તાલુકાના ઉસરડ, ખારી, કસોટી ટીંબામાં પીવાના પાણીની આપૂર્તિ, ગારીયાધાર, જેસર, મહુવા તાલુકામાં પાણીની પાઇપથી પાણી પહોંચાડવાં માટેની જૂની તથા નવી યોજના, સિંચાઈ યોજના હેઠળ મહુવા, જેસર તાલુકાના છેલ્લાં ત્રણ વર્ષમાં મંજૂર થયેલા ચેકડેમો તથા તેની પ્રગતિ, ૧૫ મા નાણા પંચના નાણાનો વિવિધ કાર્યો અંગે વપરાશ, એ.ટી.વી.ટી.ના કાર્યો, સ્માર્ટ આંગણવાડી, થોરાડા અને વીજપડીમાં ખેતીવાડીના ફીડરમાં વીજ પુરવઠો પુરો પાડવાં વગેરે પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.

આ માટે ટેન્ડરીંગની પ્રક્રિયા ઝડપથી પતાવી સત્વરે કામ શરૂ થઇ જાય અને તે કામ ઝડપથી પૂરા થાય તે અંગેની તકેદારી રાખવાં પણ અધિકારીઓને માર્ગદર્શન આપી અધિકારીઓ- કર્મચારીઓ હકારાત્મકતાથી કાર્ય કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કલેક્ટરએ ઉપસ્થિત મહાનુભાવોને જિલ્લામાં બનનાર ૧૦૦ અમૃત સરોવરો માટે લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવાં સહકાર આપવાં માટેની પણ અપીલ કરી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોનાં નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, એ.એસ.પી. સફિન હસન, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment