હિન્દ ન્યુઝ, ભાવનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં દિશા-નિર્દેશાનુસાર રાજ્યના બે લાખથી પણ વધુ શિક્ષક પરિવારને સ્પર્શતો શિક્ષકોની બદલી બાબતનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષણમંત્રીએ તા.૧૭-ર-ર૦રરના રોજ રાજ્યના હજારો શિક્ષકોના હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલી બાબતે મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયોની જાહેરાત કરી હતી.
શિક્ષણમંત્રીએ જણાવેલ કે, આ નિર્ણય રાજ્યના વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ઐતહાસિક ફેરફાર કરનારો બનશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તા.૧/૪/૨૦૨૨ના રોજ તેનો ઠરાવ પણ પ્રસિધ્ધ કર્યો છે.
તદનુસાર અત્યાર સુધી જે તે જિલ્લામાં ખાલી જગાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો, જે હવે ૧૦૦ ટકા જગા પર જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે. જિલ્લાફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂર કરવામાં આવી. ૧૦(દસ) વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે જે શિક્ષકોને નિમણૂક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે. જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે. પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ.
જેથી તેની અસર અને ફાયદા રાજ્યના આશરે ૨ લાખ પ્રાથમિક શિક્ષકોને હવે પોતાના પરિવારસાથે પોતાની ઇચ્છિત કે વતનની ગમતી જગ્યાએ નોકરી કરવાનો લાભ થશે. પોતાનાં વયોવૃદ્ધ માતા-પિતા સાથે રહેવાનો અને તેમની સેવાનો લાભ પણ મળશે. અત્યાર સુધી જુદા જુદા સ્થળે રહેવા માટે થતો ખોટો ખર્ચ બચશે. લાંબે ગાળે શિક્ષકની સુખાકારીથી શિક્ષણની ગુણવત્તા અવશ્ય સુધરશે.