મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત

હિન્દ ન્યુઝ, ભાવનગર

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) એ ગુજરાત સરકારની તેજસ્વી વિદ્યાર્થીઓના સહાય માટેની રાજ્ય સરકારની અગ્રણીયોજના છે. છેલ્લા કેટલાક સમયથી આ યોજનામાં લગભગ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓની અરજીઓમાં સહાય નહિ મળવાની સમસ્યાની રજૂઆતો સરકાર સમક્ષ આવતી હતી, તેમના પ્રશ્નોના/કેટલીક વહીવટી સ્થિતિના અર્થઘટનના અભાવે વિદ્યાર્થીઓને આ લાભ મળી શકતો ન હતો. ખૂબ ચર્ચા વિચારણા પછી ગુજરાત સરકારના શિક્ષણમંત્રી દ્વારા આ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવી શકાય તે માટે ઇનિશિએટીવ લઈ એક તજજ્ઞ સમિતિની રચના તા.૯-૦૨-૨૦૨૨ ના રોજ કરાવી. આ સમિતિએ તમામ જી.આર. અને દરેક અરજીઓનો તલસ્પર્શી અભ્યાસ કરી આ પ્રશ્નોનો ઉકેલ સૂચવ્યો છે. ગુજરાત સરકારનાં શિક્ષણમંત્રીએ સમિતિનાં રીપોર્ટને આજ રોજ મંજુરી આપી છે. લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ/સહાયની દરખાસ્તોને આ લાભ આપવાનું નક્કી કર્યું છે, જેથી આ તમામ વિદ્યાર્થીઓને લગભગ રૂપિયા રૂ.૧૨.૦૦ કરોડ જેટલી રકમ વિવિધ અભ્યાસક્રમોની ફી સ્વરૂપે મળશે. આમ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે સ્પષ્ટ અર્થઘટનનાં અભાવે પડતર શિષ્યવૃત્તિ/સહાયની દરખાસ્તો બાબતે સકારાત્મક રીતે વિદ્યાર્થીઓના હિતલક્ષી નિર્ણય શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કરતાં લાભાર્થી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો આનંદની લાગણી અનુભવશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment