હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકોના બદલીનું કેમ્પનું સમયાતરે આયોજન કરવામાં આવે છે. બદલી અંગેના પ્રવર્તમાન નિયમો તથા નામ.હાઇકોર્ટ દ્વારા અલગ અલગ કેસોમાં આપવામાં આવેલ ચુકાદાઓ ધ્યાને લઇને ચાલુ વર્ષના બદલી કેમ્પનું આયોજન હાથ ધરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવેલ છે. વિચારણાને અંતે શિક્ષકોના વિશાળ હિતને ધ્યાનમાં લઇને બદલી કેમ્પ અંગે નીચે મુજબનો નિર્ણય કરવામાં આવેલ છે. નામ.હાઇકોર્ટ દ્વારા જે કેસોમાં કેસના અરજદારોની સિનિયોરીટી અંગે આદેશો આપવામાં આવેલ છે તે કેસોના પીટીશનરોના કિસ્સામાં ચુકાદામાં જણાવ્યા મુજબ સિનિયોરીટી ગણ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ નામ.હાઇકોર્ટના ચુકાદા મુજબ વધ-ઘટ કેમ્પ કરતાં પહેલા વિકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવશે અને તે પછી નિયમોનુસાર વધ-ઘટ કેમ્પ તેમજ અન્ય કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ અંગેની વિગતવાર સૂચના તાત્કાલિક પ્રસિધ્ધ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. જે અન્વયે વિગતવાર સૂચના શિક્ષણ વિભાગ અને નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા સત્વરે પ્રસિદ્ધ કરવામાં આવશે.