હિન્દ ન્યુઝ, ઓલપાડ
કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મલગામા ગામે પાણી પુરવઠા વિભાગની ‘નલ સે જલ યોજના’ અંતર્ગત ઓલપાડ તાલુકાના સાત ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ૫ લાખ લીટર ક્ષમતાના મુખ્ય અન્ડર ગ્રાઉન્ડ સંપ અને પમ્પ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.૧ કરોડના ખર્ચે અંભેટામાં ૨ લાખ લીટર, અરિયાણામાં ૧.૭૦ લાખ લીટર, બરબોધનમાં ૧.૭૦ લાખ લીટર, સેગવાછામામાં ૧.૬૦ લાખ લીટર, કુંકણીમાં ૧ લાખ લીટર અને સિથાણામાં ૫૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતા અન્ડર ગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવશે. વરિયાવ જૂથ પાણી પૂરવઠા યોજના હેઠળ અંભેટા ફળીયા કનેક્ટિવિટી કાર્યક્રમ હેઠળ આ સંપના નિર્માણ બાદ સાત ગામોની કુલ ૧૦,૭૯૬ લોકોની વસ્તીને દૈનિક ધોરણે પીવાનું પાણી મળી રહેશે. કૃષિ રાજ્યમંત્રીએ ઓલપાડ તાલુકાના ૭૦ જેટલા ગામોમાં ‘નલ સે જલ’ યોજના દ્વારા પીવાના પાણીના કનેક્શન પુરા પાડવાની કામગીરી છેલ્લા તબક્કે હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઓલપાડ તાલુકો ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને રસ્તા, વિજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે. કરમલા, ઓલપાડ, કમરોલી અને પિંજરત જેવા ગામે પણ સંપ બનાવવામાં આવ્યા છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, છેવાડાના માનવીને સરળતાથી વિજળી પ્રાપ્ત થઇ શકે માટે જરૂરિયાત ધરાવતા ગામોમાં ૬૬ કેવી સબ સ્ટેશન બનાવવાની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ દ્વારા વિકાસના ફળો સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર હોવાનું જણાવતાં જરૂરિયાત ધરાવતા બે ગામોને જોડતા રસ્તા બનાવવાની પણ મંત્રીએ ખાતરી આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમિત પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં