આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ વિષય પર ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજીત ‘વિજ્ઞાન પ્રદર્શન’ને ખૂલ્લૂ મૂકતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ વિષય ગુજરાત યુનિવર્સિટી ખાતે 22 થી 28 ફેબ્રઆરી સુધી ચાલનારા ‘વિજ્ઞાન પ્રદર્શન’ને ખૂલ્લૂ મૂક્તા જણાવ્યું કે, ગુજરાત સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુને વધુ અવિરત વિકાસ કરી રહ્યું છે. સાયન્સ અને ટેક્નોલેજી ક્ષેત્રમાં યુવાનો ઉપર ગુજરાત સહિત સમગ્ર દેશની આશાઓ અને અપેક્ષાઓ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્ષેત્રનું ખૂબ મહત્વનું યોગદાન રહેવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.  જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી સરકાર અને સમાજ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય, સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકાર તેમજ વિજ્ઞાન પ્રસાર દ્વારા ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ વિષય પર એક અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન દેશભરમાં 75 સ્થાનો પર 22 થી 28 ફેબ્રુઆરી 2022 સુધી યોજાઇ રહ્યા છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીની પણ એક સ્થળ તરીકે પણ પસંદગી કરવામાં આવી છે, જેમાં આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ પ્રદર્શનની થીમ ‘ભારતમાં પ્રાચીન અને આધુનિક વિજ્ઞાનનો વિકાસ’ પર રાખવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓ-યુવાઓ વિશ્વ સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે અને અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે એવા મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે અનેકવિધ નવતર આયામો, પ્રયોગો અને સુધારાઓ કર્યા છે અને આગામી સમયમાં પણ કરશું એ માટે રાજ્ય સરકારનું મન હર હંમેશ ખુલ્લુ છે એમ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે શિક્ષણ યાત્રાને વધુને વધુ વેગવંત બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.

રાજ્યનું યુવાધન શિક્ષણ દ્વારા વધુને વધુ રોજગારી મેળવી આત્મનિર્ભર બને એ માટે રાજ્ય સરકાર તમામ પ્રકારનો આયોજનો પણ કરી રહી છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત ગ્લોબલ લિડર બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની યુનિવર્સિટીઓ પાસે જોઇતું હોય એવું તમામ પ્રકારનું ભૌતિક સંસાધન ઉપલબ્ધ છે ત્યારે આવનાર સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આંતર માળખાકીય સુવિધાઓને વધુ બહેતર બનાવી ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિંગ હાંસલ કરે તે માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણની સાથે છાત્રોમાં ચારિત્ર્ય નિર્માણ અને ઉમદા નાગરિક બનવાના ગુણ સાથે કૌશલ્યવાન બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમલી બનાવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગમાં હોલિસ્ટીક બદલાવ લાવવા સતત પ્રયત્નશિલ છીએ એમ મંત્રીએ ઉમેર્યું હતું. આ અવસરે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુભાઇ પંડ્યાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યેની રૂચિ કેળવાય અને નવા સંશોધનોથી વિદ્યાર્થીઓ પરિચિત બને તે હેતુથી ‘વિજ્ઞાન પ્રદર્શન’નું આયોજન કરાઇ રહ્યું છે. આ વિજ્ઞાન પ્રદર્શનમાં રૂચિ ધરાવતા તમામ કોલેજ અને યુનિવર્સિટી અને સંસ્થાઓ ભાગ લઇ રહી છે. આ પ્રદર્શનમાં ગુજરાત યુનિવર્સિટીના વિજ્ઞાન ભવનના વિવિધ વિભાગોના અધ્યાપકો સહિત સંશોધકો વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન સંદર્ભિત વિવિધ મોડેલ્સ-પ્રોજેક્ટ જોવા મળશે. આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં 350 થી વધુ સ્ટાર્ટઅપ પર કામ ચાલી રહ્યું છે. યુનિવર્સિટીએ તાજેતરમાં પાર્ક ફોર ઔદ્યોગિક વિસ્તરણ અને સંશોધન (રિસર્ચ પાર્ક)ની સ્થાપના કરી છે, જે બની છે. કેમ્પસમાં સંશોધન પાર્ક ધરાવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી આ રિચર્સ પાર્કમાં ડીઆરડીઓ સહિત દેશ-વિદેશની વિવિધ સંસ્થાઓ રિચર્સ પર કામ કરી રહી છે. આ અવસરે મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘સ્કૂલ ઓફ એડવાન્સ કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી’, ‘કોર્ષ ઓફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુ એઝ મીડિયા’ તેમજ ‘કોર્ષ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સસ્ટેનેબિલિટી’નો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જીગદીશભાઇ ભાવસાર, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સના ડો. ઋષિકેશ જોષી, ગુજરાત યુનિવર્સિટના રજિસ્ટાર તેમજ અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment