હિન્દ ન્યુઝ,
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 11માં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સત્યના માર્ગ પર, કર્તવ્યધર્મનું પાલન કરી, સતત શીખવાના ભાવ સાથે રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રવૃત થવા દીક્ષાર્થીઓને અનુરોધ પણ કર્યો હતો. રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં દીક્ષાંતનું અનોખું મહત્વ હતું. શિક્ષણના કેન્દ્રમાં સર્વ-કલ્યાણની ભાવના હતી. રાજ્યપાલએ માતા-પિતા અને ગુરુજનોને દેવતૂલ્ય ગણાવી તેમના પ્રત્યેના ઋણને ચૂકવવા દીક્ષાર્થીઓને અનુરોધ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પદવી પ્રાપ્ત કરી રહેલા યુવાનો જીવનનો એક અધ્યાય પૂરો કરી પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પોતાની જવાબદારી પ્રમાણિક્તાથી નિભાવી રાષ્ટ્રસેવા માટે પ્રવૃત થાય. રાજ્યપાલએ વિદ્યાર્થીઓને વિદ્યા અને અવિદ્યાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, વિદ્યા આત્મજ્ઞાનનું દર્શન કરાવે છે. જ્યારે અવિદ્યા એ સાયન્સ અને ટેક્નોલોજીના શિક્ષણ જેવું ભૌતિક શિક્ષણ છે જે મનુષ્યના જીવનમાં સુખ સંપત્તિ લાવે છે. કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે વેક્સિનનું નિર્માણ કરાયું જે અવિદ્યાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
એક સમય હતો જ્યારે આખી દુનિયાના લોકો ભારતમાં વિદ્યા મેળવવા આવતા હતા અને ભારત વિશ્વ ગુરુ પણ કહેવાતું હતું એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આ મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રેરિત કરે છે. તેમણે દીક્ષાર્થીઓને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરણા પણ આપી હતી. રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડીડોરે કહ્યુ કે, આજે આખું વિશ્વ ભારતને યુવા દેશ તરીકે જુએ છે. ભારત પાસે યુવાશક્તિ છે. આ યુવા શક્તિનું સ્વપ્ન પૂરું કરવાનું કામ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી કરી રહી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ એજ્યુકેશનનો વ્યાપ વધે અને ટેક્નીકલ એજ્યુકેશન ઘર આંગણે મળી રહે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનએ ગુજરાતમાં આ ટેક્નીકલ એજ્યુકેશનનું બીજ રોપ્યું હતુ જે આજે વટવૃક્ષ બીને આપણી સૌ સામે ઊભું છે. મંત્રીએ કહ્યુ કે, આજે દેશભરમાં ઇનોવેશન ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે. જીટીયુ આજે આ ક્ષેત્રમાં ખુબ મોટું યોગદાન પણ આપી રહ્યું છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ માત્ર ટેક્નોલોજી ક્ષેત્રે નહીં, ઇનોવેશન ક્ષેત્રમાં પણ ઉત્તમ ઉદાહણ પૂરું પાડ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. કોરોનાકાળ દરમ્યાન પણ જીટીયુના વિદ્યાર્થીઓને 10 લાખ સુધીનું પેકેજ મળ્યું છે જે આપણ સૌ માટે એક ગૌરવની વાત છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. જીટીયુ સમાજના વિકાસ માટે પણ કટિબદ્ધ છે અને આગળ પણ કાર્યરત રહેશે એવો તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. મુખ્ય અતિથી તરીકે ઝાયડસ ગ્રૂપના ચેરમેન પંકજભાઇ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આજે ડિગ્રી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રમાંથી વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે. આ નવા વિશ્વમાં તમારે આત્મનિર્ભર બનવું પડશે અને નિત-નવા પડકારો ઝીલવા પડશે અને તેનો સામનો પણ કરવો પડશે. તેમણે કહ્યું કે, વ્યવસાયિક ક્ષેત્રે એ શૈક્ષણિક ક્ષેત્ર કરતા ઘણું અલગ હશે. જ્યાં મૂલ્યાંકન, ગુણ અને લેક્ચર્સ મહત્વ ઓછું હશે અન ડગલે ને પગલે તમારે તમારી જાતને પૂરવાર કરવી પડશે. આ ૧૧માં પદવીદાન સમારોહમાં જુદા-જુદા કોર્સના કુલ ૫૯૪૯૫ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૪૪ વિદ્યાર્થીઓ અને ૧ સ્ટાર્ટઅપકર્તાને ગૉલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને આ વર્ષે પણ ગૉલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જીટીયુનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્રસચિવ એસ. જે. હૈદર, અતિથી વિશેષ તરીકે ઝાયડસ કેડિલાના મેનેજિંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ, બોર્ડ ઑફ ગવર્નન્સ અને એકેડમિક કાઉન્સિલના સભ્યો, ડિન અને એસોસિયેટ ડિન પણ ઉપસ્થિત રહ્યા હતા.