કોરોનાકાળમાં માતા મૃત્યુદર તેમજ બાળ મૃત્યુદર ઘટાડવા માટે ૧૦૮ ની પ્રશંસનીય સેવા

હિન્દ ન્યુઝ,

ભારત જેવાં વિશાળ દેશમાં આરોગ્ય વિષયક કાળજીનો અભાવ તથા તે અંગેના અજ્ઞાનને કારણે વિકસીત દેશોની સરખામણીમાં ઉંચો માતામૃત્યુ દર અને બાળ મૃત્યુદર જોવાં મળે છે. તેને ઘટાડવાં માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેને ઘટાડવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે. મમતાકાર્ડ, મીશન ઇન્દ્રધનુષ, સગર્ભા અને ધાત્રી માતાઓને પુરક પોષણ, ખીલખીલાટ વાન તથા પ્રસૂતિ માટે ગમે ત્યારે ૧૦૮ વગેરે જેવી સેવા દ્વારા તેમાં ધીમે-ધીમે નોંધપાત્ર સુધારો આવ્યો છે. સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આવાં સ્વસ્થ બાળકો કે જેઓ ભારતનું ભાવી છે ત્યારે આવાં બાળકોની સલામત પ્રસૂતિ તેમજ કાળજી ખૂબ જ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તેમજ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાબતે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેનાં પરિણામે જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર નોંધપાત્ર રીતે ઘટાડી શકાયો છે. આ મૃત્ય દર ઘટાડવામાં જેનું યશસ્વી યોગદાન છે તેવી ૧૦૮ ની સેવાને ભારતના ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ટાણે ભાવનગરના પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા પ્રમાણપત્ર આપીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. લોકહ્યદયમાં સ્થાન મેળવેલી આ સેવા અહર્નિશ લોકસેવા માટે તત્પર રહે છે. ત્યારે તેનું યથોચિત સન્માન તેના કર્મચારીઓને વધુ સારી કામગીરી કરવાં માટે ચોક્કસ પ્રેરિત કરશે. તેનાથી લોકોને વધુ સારી સેવા ઉપલબ્ધ બનશે. જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને નીચો લઈ જવાં માટે ૧૦૮ ની સેવા દ્વારા સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહી છે. આ સેવા થકી જિલ્લામાં અનેક સગર્ભાવસ્થા માતાને તપાસની તેમજ પ્રસૂતિની પીડામાં તાત્કાલિક સારવાર સાથે યોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં સર્વોત્તમ કામગીરી કરવામાં આવી છે. અનેકવાર ગંભીર નવજાત શિશુના જીવન બચાવવામાં આવ્યાં છે. જિલ્લાની ૧૦૮ સેવા દ્વારા જોખમી સગર્ભા માતાઓ માટે વિશેષ કાળજી રાખી રહી છે. આ સાથે આ મૃત્યુદર ઘટાડવા માટે સતત તત્પર અને કટિબદ્ધ રહે છે. આ સુદ્રઢ, સુસંકલીત અને તાલીમબદ્ધ કર્મચારીઓની કામગીરીની નોંધ નીતિ અયોગ અને રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે. કોરોના કાળ કે વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં પણ સગર્ભા માતા માટે આશીર્વાદરૂપ બની રહી છે. વાવાઝોડા દરમિયાન અનેક સગર્ભા માતા અંતરિયાળ વિસ્તારમાં ફસાઈ ગઈ હતી એમની પ્રસૂતિ કુશળ આયોજન થકી એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી છે અને જરૂર જણાયે વધુ સારવાર માટે યોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ રીતે અનેક માતા અને શિશુને નવજીવન આપવામાં ૧૦૮ ની સેવા ઉપકારક બની છે. કોરોના કાળ દરમિયાન પણ કોરોનાગ્રસ્ત માતા અને નવજાત શિશુની કાળજીપૂર્વક સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી રાજ્યમાં આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે ૧૦૮ ની સેવાનું થયેલું સન્માન યોગ્ય સમયનું અને પ્રશંસનીય પગલું છે. રાજ્ય સરકારની અન્ય સેવાઓને પણ તેમાથી પ્રેરણા મળશે.

Related posts

Leave a Comment