હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ ભાવનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કોરોનામાં અગાઉ આપણે સારી કામગીરી કરી છે. કોરોનાની નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. આથી, કોરોનાનો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે. કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે સમયની માંગ છે. પ્રભારી મંત્રીએ જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા વગેરેની સમીક્ષા કરી આકસ્મિક સંજોગોમાં પુરતી તૈયારીઓ રાખવાં માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આ બેઠકમાં સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી સુ વિભાવરીબેન દવે, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગળીયા, ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર અજય દહીયા, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક અંજના પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી