હિન્દ ન્યુઝ,
કોરોનાના સંભવિત ત્રીજા વેવને અનુલક્ષીને ભાવનગર જિલ્લામાં કોરોનાની સર્વગ્રાહી સમીક્ષા માટે પધારેલા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાના સંભવિત ત્રીજા વેવને લઈને રાજ્ય સરકાર સંપૂર્ણ સજજ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળના કોરોના વેવમાં જે અગવડતાઓ અનુભવાઈ હતી તેને અનુલક્ષીને આગામી સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારી કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે ગઈ વખત કરતાં આ વખતે કોરોનાનો પ્રભાવ વ્યાપક રસીકરણને લીધે હળવો છે તે આપણાં માટે સારી વાત છે. આપણે ઇચ્છીએ કે કોરોના વધુ ન ફેલાય તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગત વખતના કોરોનાના સમયગાળામાં જે તકલીફો પડી છે તે આ વખતે ન પડે અને બધું સરળતાથી વ્યવસ્થિત રીતે પહોંચી વળાય તે માટે તંત્ર સુસજ્જ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સંભવિત કોરોના વેવને ધ્યાનમાં રાખીને અગાઉથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તેને લઈને આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રાજ્યમાં સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વાઇબ્રન્ટ જેવાં ઈવેન્ટને પણ મોકૂફ રાખવામાં આવ્યા છે તેની વિગતો તેમણે આપી હતી. રાજ્ય સરકાર તંત્રને સાબદુ કરવાં સાથે લોકો પણ આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરે તે જરૂરી છે. લોકોના સાથ-સહકાર અને સામાજિક સંસ્થાઓના સહકારથી જ આપણે કોરોનાના બે વેવનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો અને આ વખતે પણ આપણે તેને પહોંચી વળીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સૌના સાથ અને સહકારથી અને સ્વયં શિસ્ત જાળવીને આપણે આ વૈશ્વિક મહામારીનો સામનો કરવાનો છે.તેમાં કોઇપણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
