હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના ૮૫ વર્ષની જૈફ ઉંમર ધરાવતાં રજનીબેન જમનાદાસ મોદીએ પોતાની માતૃભુમિનુ ઋણ ચૂકવતાં તથા તેમના ભાઇ સ્વ.હેમેન્દ્રભાઇ જમનાદાસ મોદીની સ્મૃતિ રૂપે પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૫૦,૦૦૦/- તથા પી.એમ. કેર્સ ફંડ માં ૩,૦૦,૦૦૦/- જેવી માતબર રકમનું સ્વૈચ્છિક અનુદાન આપી વિક્રમ સંવત- ૨૦૭૮ ના નૂતન વર્ષના પ્રારંભે સમાજ પ્રેરણાદાયી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે. નૂતન વર્ષના પ્રારંભે આજે કલેકટર કચેરી ખાતે આવીને તેમણે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બંને ચેક સુપ્રત કર્યા હતાં. કલેકટરએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું કે, સમાજજીવનમાંથી ઉદ્દાત ભાવથી આવતી આવી દાનની સરવાણી દ્વારા જ આપત્તિ સમયે દેશ અને રાજ્ય પર આવતી વિપદાઓનો સફળતાપૂર્વક સામનો કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે,રજનીબેન શૈક્ષણિક ક્ષેત્રે રઘુકુળ વિદ્યાલયમાં ‘’શિશુવાટિકા’’ નું નિર્માણ કરાવેલ છે. આ ઉપરાંત તેઓ ધાર્મિક તેમજ આઘ્યાત્મિક ક્ષેત્રે ૫ણ પ્રવૃત્તિમય છે. આ ઉ૫રાંત તેઓ ભાવનગર નાગરિક સરકારી બેંક (લીડ બેંક) ના કમિટિ મેમ્બર તરીકે પણ તેમની સેવા આપે છે. કોરોના સમયે ૫ણ તેમણે પી.એમ. કેર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં મોટી રકમ આપી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. એકલવાયુ જીવન જીવતાં ૮૫ વર્ષની જૈફ વયે ૫ણ તેઓ તંદુરસ્ત છે અને પોતે પોતાનું કામકાજ ૫ણ જાતે જ કરે છે. તેમના પિતા જમનાદાસ મોદીએ ભારત છોડો આંદોલન વખતે ‘’ચા’’ નો ત્યાગ કરેલ ત્યારથી રજનીબેન ૫ણ આજની તારીખ સુઘી ‘’ચા’’ પીધી નથી. કલેકટરએ રજનીબેનના ઉમદા કાર્યને બિરદાવી તેમની ઉદ્દાત ભાવનાની સરાહના કરી હતી. કલેકટરએ નવા વર્ષના કાર્યારંભ આવા ઉમદા કાર્ય અને આવા ઉમદા વ્યક્તિત્વને મળીને કરવાનો થયો છે તેને નવા વર્ષનો શુભ સંકેત ગણાવી રજનીબેનના કાર્યને બિરદાવ્યું હતું. કલેકટરએ તેમની આ લાગણીને સન્માનિત કરતાં તેમનું મોં મીઠું કરાવી તંદુરસ્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. કલેકટરએ તેમની સેવાઓ આવી રીતે જ મળતી રહે તે માટેની વાંચ્છના કરી હતી. આવા નાના કાર્યથી જ મોટા કાર્યો પૂર્ણ કરવાનું બળ મળતું હોય છે તેમ તેમણે જણાવ્યું હતુું.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી