હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન આજે સવારે સોનગઢ ગુરુકુળની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સોનગઢ ખાતે આવેલા ગુરુકુળમાં અભ્યાસ કરી ચૂક્યા છે.
મંત્રીએ પોતે જે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે ત્યાં ફરી વખત આવતાં પોતે ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે તેમ જણાવી કહ્યું કે, આ વિસ્તારના મારા જેવા અનેક વિદ્યાર્થીઓના ઘડતરમાં આ ગુરુકુળનું આગવું અને અનોખું પ્રદાન રહ્યું છે.
તે સમયના સંસ્મરણો વાગોળતાં મંત્રી કહ્યું કે, એ જમાનામાં અભ્યાસક્રમ પૂરો કરવા માટે ગુરુકુળના શિક્ષકો વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ વર્ગ લઈને પણ અભ્યાસક્રમ પૂર્ણ કરાવતાં હતાં. તે પ્રકારનો વિદ્યાર્થીઓ માટેનો સ્નેહાળ પ્રેમ આ ગુરુકુળ તરફથી અમને પ્રાપ્ત થયો છે.
તેમણે ઉમેર્યું કે, ગુરુકુળમાં એ જમાનામાં આવતાં અખબારો, સામયિકો અને આઝાદીની લડત અંગેના તથા વિવિધ મહાનુભાવો અંગેના જીવન ચરિત્રો વાંચવાથી એમની વાંચનયાત્રા ચાલુ થઈ હતી.
અખબાર વાંચવાથી શરૂ થયેલી તેમની વાંચન પ્રવૃત્તિ એ હદે વિક્સી કે તેમણે તે સમયે ગુરુકુળમાં ઉપલબ્ધ લાઇબ્રેરીના તમામ પુસ્તકો વાંચી લીધાં હતાં.આ રીતે મારું જે ઘડતર થયું છે તેમાં આ ગુરુકુળનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેનો ઋણ સ્વીકાર તેમણે આ સમયે કર્યો હતો.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ ગુરુકુળનો ઉપકાર હું કદી વિસરી શકીશ નહીં અને સંસ્થાને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું સદૈવ સેવા માટે ઉપસ્થિત રહીશ તેવો વિશ્વાસ તેમણે ઉપસ્થિત ગુરુજનોને અપાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ ગુરુકુળમાં પોતે જે વર્ગખંડમાં અને જે બેંચ પર બેસતાં હતાં તે વર્ગખંડમાં જઈને તે જ બેંચ પર બેસી પોતાના ભૂતકાળના સંસ્મરણો પોતાના સહાધ્યાયી મિત્રો સાથે વાગોળ્યા હતાં.
આ પ્રસંગે સંસદ સભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા આર.સી.મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ઘનશ્યામભાઈ શિહોરા, રેખાબેન ડુંગરાણી તથા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સોનગઢના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી