હિન્દ ન્યુઝ, રાજપીપલા
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે પાંચમા દિવસે નર્મદા જિલ્લામાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ હેમંતભાઈ માછી, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ, સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ખેડૂત લાભાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલા “કિસાન સન્માન દિવસના” કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે તેમના ઉદબોધનમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ સાથે કૃષિ વિકાસની દિશામાં લેવાયેલા અભૂતપૂર્વ પગલાઓ અને યોજનાઓની વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ૧૯૯૫-૯૬ માં ગુજરાતના માત્ર રૂા.૧૩,૭૦૦ કરોડના કૃષિ ઉત્પાદનની સામે આજે રૂા.૧ લાખ ૭૦ હજાર કરોડ સુધી કૃષિ ઉત્પાદન સાથે તેમાં અનેકગણો વધારો થયો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો હજી પણ વધુ સમૃધ્ધ બને તે માટે અમલી “સાત પગલાં ખેડૂત કલ્યાણ” ના અને “કિસાન સૂર્યોદય યોજના” થકી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રેની હરણફાળ વધુ વેગવાન બનશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સમગ્ર ભારતમાં સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમલમાં મુકેલ “સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના” અંતર્ગત કાંટાળી તારની વાડ માટે રૂા.૨૦૦ કરોડના લાભ અપાયા છે. આજે એક જ દિવસમાં સમગ્ર ગુજરાતમાં રૂા.૧.૨૧ કરોડની વિવિધ કૃષિલક્ષી સહાયના લાભો ખેડૂતોને અપાયા છે. તેવી જ રીતે આજે એક જ દિવસમાં ૧૫૦૦ થી વધુ ગામોમાં ૪.૫ લાખ ખેડૂતોને “કિશાન સૂર્યોદય યોજના” નો લાભ અપાયો છે. આગામી ૨૦૨૨ સુધીમાં ગુજરાતના તમામ ગામોને આ યોજનાના લાભ હેઠળ આવરી લેવાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાના આ કાર્યક્રમ ઉપરાંત આજે તિલકવાડા ખાતે સ્વર્ણિમ ગુજરાત ૫૦-મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજા તેમજ સાગબારા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા “કિસાન સન્માન દિવસ” અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ ૧૩૪૬ લાભાર્થી ખેડૂતોને અંદાજે રૂા. ૧૨.૧૩ કરોડની વિવિધ કૃષિ વિકાસલક્ષી યોજના સહાયના લાભો એનાયત કરાયા હતાં. તેવી જ રીતે “કિસાન સૂર્યોદય યોજના” હેઠળ આજે નર્મદા જિલ્લાના ૧૧૨ ગામના કુલ ૨૧૯૦ ખેડૂતોને તેનો લાભ અપાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત વરિષ્ઠ પદાધિકારીઓ, સચિવઓની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાએ યોજાયેલા “કિસાન સન્માન દિવસ” ના કાર્યક્રમના ડિજિટલ માધ્યમથી કરાયેલા જીવંત પ્રસારણના નિદર્શનને સૌ કોઈએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સરકારના કૃષિ વિકાસલક્ષી કૃષિ મહોત્સવ થકી ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના ખેતર સુધી પહોંચવાની સાથે અનેકવિધ ખેડૂત કલ્યાણ યોજનાથી ખેડૂત સમૃદ્ધ બન્યાં છે. ખેડૂતોને સારા હિસાબનીશ બનીને ખેતીને મૂલવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો અને ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનને બ્રાન્ડીંગ સાથે બજારમાં મૂકવાની હિમાયત કરી હતી. આ પ્રસંગે ગુજરાત ઔદ્યોગિક વિભાગ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “મુખ્યમંત્રી સાત પગલા ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત ગાય નિભાવ, તાળની વાડ, છત્રી, સ્માર્ટ હેન્ડલ ટુલ્સ કિટ્સ, કિસાન પરિવહન યોજના હેઠળ કૃષિ વિકાસલક્ષી વિવિધ સાધન-સહાયના લાભો ઉપરાંત વિવિધ યોજનાના પૂર્વ મંજૂરી હુકમો એનાયત કરાયાં હતાં. કાર્યક્રમના અંતમાં મહાનુભાવોના હસ્તે કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓના વાહનોને ઝંડી ફરકાવી વાહનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રારંભમાં દક્ષિણ ગુજરાત વિજ કંપનીના કાર્યપાલક ઇજનેર એન.જી.પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. નિલેશ ભટ્ટે આભારદર્શન કર્યું હતું.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા