રાજકોટ શહેરી વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યાને અનુલક્ષીને જીવન જરૂરીયાત સીવાયની દુકાનો બંધ રાખવા રાજય સરકારનો નિર્ણય- કલેકટર રૈમ્યા મોહન

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વસ્તીની ગીચતા અને સંક્રમણને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં દુધ, મેડીકલ અને કરીયાણા જેવી જીવન જરૂરીયાત સીવાયની દુકાનો ૩મે સુધી બંધ રાખવા નિર્ણય જાહેર કરેલ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે. લોકડાઉન હળવું કરવા અંગે અને દુકાનો ખોલવા અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વખતો વખત જાહેરનામા બહાર પાડ્યા બાદ ગુજરાતમાં દુકાનો ખોલવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર માટે રાજય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બાબતે વિગતો આપતાં કલેકટર રૈમ્યા મોહને જણાવ્યું છે. કે રાજકોટ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અને સંક્રમણના ફેલાવાને ધ્યાને લઇને રાજય સરકારે રાજકોટ શહેરી વિસ્તારમાં ૩જી મે સુધી માત્ર કરીયાણા, દુધ તેમજ મેડીકલ જેવી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની દુકાનોને જ ખેાલવાની મંજુરી આપેલ છે. આથી શહેરી વિસ્તારમાં એટલે કે કોર્પોરેશન હસ્તકના વિસ્તારમાં અન્ય તમામ દુકાનો અગાઉની માફક બંધ જ રાખવાની રહેશે જેની તમામ શહેરી વિસ્તારના દુકાનદારોએ નોંધ લેવા જણાવ્યું છે. આ તકે તેઓએ ઉમેર્યું હતું કે સરકારી, બેંક કે અન્ય ખાનગી કંપનીમાં અન્ય જિલ્લામાં નોકરી જોઇન્ટ કરવા ટ્રાન્ઝીટ પાસ તેમજ મરણ કે અરોગ્યલક્ષી ઇમરજન્સી જેવા અત્યંત જરૂરી કામ સબબ બહાર નીકળવા સંદર્ભે ઇમરજન્સી પાસ માટે ઓનલાઇન અરજી પાસ ઇસ્યુ કરવાની પ્રકિયા પણ ચાલુ જ છે. આ ઉપરાંત ઇમજનસીના સંજોગોમાં કલેકટર કચેરી ખાતે કાર્યરત ડિઝાસ્ટર શાખામાં પણ સંપર્ક ટ્રાન્ઝીટ પાસ મેળવી શકાશે. આ માટે અરજદારે ઓનલાઇન અરજી કરવા સાથે જરૂરી પુરવાઓ પણ સાથે જોડવા જરૂરી છે. જેને ધ્યાને લઇને વહિવટીતંત્ર તરફથી બહાર જવા મુક્તિ પાસ ઇસ્યુ કરવામાં આવશે. ઇમરજન્સીના કિસ્સા સીવાય ટ્રાન્ઝીટ પાસ ઇસ્યુ કરવામાં આવશે નહીં. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ લોકડાઉન અન્વયે રાજકોટ શહેરીજનો બીનજરૂરી બહાર ન નિકળતાં ઘરમાં જ રહે. કોરોના સામેના જંગમાં પોલીસને સહકાર આપી કાયદાને માન આપે તેવી તાકીદ કરતાં જણાવ્યું છે. કે કોરોના વાયરસના સંક્રમણને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા નિર્દેશીત માર્ગદર્શક સુચનો મુજબ લોકોએ બિનજરૂરી ઘર બહાર ન નિકળવું અન્યથા કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ વાહનો ડીટેઇન કરાયા છે. રાજકોટ શહેરમાં આવેલ ૬૫ હજારથી વધુ દુકાનો પૈકી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના વેંચાણ સાથે સંકળાયેલ ૩૫૦૦ જેટલી દુકાનો જેવી કે શાકભાજી, દુઘ, મેડીસીન, કરીયાણું સહિતની વસ્તુઓની સપ્લાય અને પુરવઠો લોકડાઉન સમય મુજબ ચાલુ જ રહેશે તેમ જણાવતાં મ્યુનિસિપીલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ આ તકે ઉમેર્યું હતું કે શહેરીજનો કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ હોમ ડીલીવરી સિસ્ટમનો આગ્રહ રાખે. વહિવટીતંત્ર અને રાજય સરકારના નિર્દેશોનું પાલન કરી લોકોના સાથ સહકારથી સંપૂર્ણ રાજકોટને કોરોના મુક્ત કરવામાં સહયોગી બનવા તેઓએ અપીલ કરી હતી. આમ રાજય સરકારના નિર્ણય અન્વયે રાજકોટ શહેરી વિસ્તારમાં લોકડાઉનના અગાઉની પરિસ્થિતી મુજબ જ માત્ર જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓના વેંચાણ સાથે સંકળાયેલ દુકાનો જ ખુલ્લી રહેશે. તથા આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ,૨૦૦૫ની કલમ-૩૪, ધી ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવીડ રેગ્યુલેશન-૨૦૨૦ અને ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ રાજકોટ કલેકટર રૈમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની સંયુકત યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment