હિન્દ ન્યૂઝ, નર્મદા
નર્મદા જિલ્લામાં બગડી રહેલી કોરોના સ્થિતિને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાતે આવનાર છે. દરમિયાન તંત્ર એક્શનમાં આવી ગયું છે, નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદરે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ અંગે સમીક્ષા કરી રિપોર્ટ તૈયાર કર્યો છે જે રૂપાણી સમક્ષ રજુ કરાશે. એસ.જે.હૈદરે જણાવ્યું હતું કે રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હાલમાં વધુ 100 બેડની ક્ષમતા સાથે 200 બેડ, જિલ્લાના ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે 100 બેડ, 4 ખાનગી હોસ્પિટલો ખાતે 110 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જ્યારે જરૂરીયાત મુજબ વધુ 90 બેડની સુવિધા ખાનગી હોસ્પિટલો ખાતે ઉભી કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. જિલ્લામાં 9 કેન્દ્રોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયાં છે દરેક તાલુકામાં 50 બેડની ક્ષમતા-સુવિધા ઉપલબ્ધ છે.
રાજપીપલામાં 3-4 દિવસમાં RT-PCR ટેસ્ટની લેબોરેટરી કાર્યરત થઈ જશે, જિલ્લામાં રેમડેસીવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના પાંચ વેન્ટીલેટર છોટાઉદેપુર ખાતેથી પરત મળેલ છે. નર્મદા જિલ્લાના આયુષ ડૉક્ટર, સ્ટાફ નર્સ સહિતનો વડોદરા ખાતે ડેપ્યુટેશનમાં મુકાયેલો મેડીકલ સ્ટાફ પણ જિલ્લાને પરત મળી ગયેલ છે.
નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે રાજપીપલામાં કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સીજનના પ્લાન્ટની સ્થાપનાની દિશામાં પણ સઘન વિચારણા હાથ ધરાઈ છે. રાજપીપલાના સ્મશાનગુહમાં ઇલેક્ટ્રી ભઠ્ઠીની સુવિધા, જિલ્લાના દરેક ગામમાં પલ્સ ઓક્સીમીટરની સુવિધા ઉપલબ્ધ કરવાં, દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સીજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજપીપળા સિવિલ હોસ્પિટલના ઓક્સિજનના 70 જુના મોટા સિલીન્ડર ઉપરાંત 55 નવાં ઓક્સિજન સિલીન્ડરની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જ્યારે નવા 120 સિલીન્ડરનો ઓર્ડર અપાયેલ છે.
રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપળા