હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અવિરત વરસાદના કારણે અનેક જગ્યાઓએ જમીન પોચી પડવાથી રોડ પર વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી દાખવતાં જમીનદોસ્ત થયેલા વૃક્ષોને ખસેડી અને તમામ સ્થળો પર વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
સ્ટેટ હાઇવે પર ઉપર પડેલા વૃક્ષોને દૂર કરીને ટ્રાફિકને તાત્કાલિક ખુલ્લો કરી શકાય તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વેરાવળ અને કોડિનાર ડિવિઝન ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરી સંપર્ક નંબર પણ આપવામાં આવ્યાં છે.
વૃક્ષો ધરાશાયી થવાની ઘટના જિલ્લામાં બને તો વેરાવળ ડિવિઝન હેઠળ વેરાવળ, સુત્રાપાડા, તાલાલા તાલુકાના કંટ્રોલ રૂમ નંબર-૦૨૮૭૬-૨૨૦૨૩૭ પર તેમજ કોડિનાર ડિવિઝન હેઠળ ઉના, કોડિનાર, ગીર ગઢડા તાલુકાના સ્ટેટ હાઇવે ઉપર વૃક્ષો પડવાના બનાવ બને તો કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૫-૨૨૧૭૪૬ પર સંપર્ક કરવા આર એન્ડ બી સ્ટેટ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુમાં, માર્ગ-મકાન વિભાગ દ્વારા દરેક તાલુકામાં ટીમની રચના કરીને વૃક્ષો પડવાના બનાવો બને તો તાત્કાલિક ધોરણે વૃક્ષોને દૂર કરી શકાય તે માટે વૃક્ષો હટાવવાની વિવિધ સાધન સામગ્રી સાથે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે, કે વરસાદના કારણે જિલ્લામાં પ્રવર્તમાન પરીસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ પણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગત બે દિવસમાં પાંચ અને અત્યાર સુધીમાં ૨૩ વૃક્ષો હટાવી જિલ્લાના વિવિધ માર્ગો ખૂલ્લા કરાવવામાં આવ્યાં છે.