હિન્દ ન્યુઝ, આણંદ
આઈ.ડી.એમ.સી. લિમિટેડ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટન રેડી ટુ યુઝ કલ્ચરની ઉત્પાદન ક્ષમતાવાળો અત્યાધુનિક પ્લાન્ટ કાર્યરત કરાયો છે. જેનું કેન્દ્રિય સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ લોકાર્પણ કર્યું હતુ.
આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકર કરતા આઈ.ડી.એમ સી.ના આ રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટ – યુનિટ – ૭ ના લોકાર્પણ બાદ કેન્દ્રિય સહકાર મંત્રીએ આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ વેળાએ એન.ડી.ડી.બી.ના ચેરમેન મિનેશભાઈ શાહ એ કેન્દ્રિય મંત્રીને પ્લાન્ટની વિગતોથી વાકેફ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરી ઉદ્યોગમાં મોટા પાયે ફર્મેન્ટેડ દૂધ ઉત્પાદનોના નિર્માણ માટે રેડી ટુ યુઝ કલ્ચર (RUC) નો ઉપયોગ થાય છે. ભારતમાં રેડી ટુ યુઝ કલ્ચર મોટાભાગે વિદેશથી આયાત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મેક ઇન ઇન્ડિયા” અભિયાન હેઠળ અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન અંતર્ગત આ રેડી ટુ યુઝ કલ્ચર દેશમાં જ ઉત્પાદિત થશે.
એન.ડી.ડી.બી દ્વારા વિવિધ રેડી ટુ યુઝ કલ્ચર ફોર્મ્યુલેશન્સ વિકસાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજી એન.ડી.ડી.બી.ની સહાયક કંપની,આઈ.ડી.એમ.સી. લિમિટેડ દ્વારા ૧૦ ટન આર.યુ.સી પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતાવાળો અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં મોટાભાગના ઉપકરણો સ્વદેશી છે.
આઈ.ડી.એમ. સી.પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી,આઈ.ડી.એમ.સી.ના પ્લાન્ટના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ મહેશ્વરી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
