હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે બે ગામ વચ્ચેના રસ્તામાં એક આઇસર ચાલકે બેફામ સ્પિડે આવી બાઇકને અડફેટે લીધુ હતુ. જેમાં યુવકના પેટના ભાગે ગંભીર ઇજા અને બંને પગો કચડાઇ ગયા હતા. જેને લઇ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા બાદ સારવાર વચ્ચે તેનું મોત થયુ છે. સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં ફરારા આઇસર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
દિયોદર તાલુકાના રવેલ ગામના સુરેશભાઇ બળવંતજી ઠાકોરનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. ગઇકાલે બપોરે આશરે એક વાગ્યા આસપાસ સુરેશભાઇ પોતાનું બાઇક લઇ રવેલથી જાડા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન સામેથી એક આઇસર બેફામ સ્પિડે આવતું હોઇ તેમને અડફેટે લીધા હતા. આઇસરે બાઇકને અડફેટે લેતાં યુવકના બંને પગો કચડાઇ ગયા તો પેટના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે દિયોદરની વિશ્વાસ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ વિશ્વાસ હોસ્પિટલમાંથી તેને ડીસા આશિવાર્દ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટના બાદ મૃતકના પિતરાઇ ભાઇએ અજાણ્યાં ફરાર આઇસર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. દિયોદર પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .
અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર