હિન્દ ન્યૂઝ, જેતપુર
જેતપુરમાં 10 મહિના બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શાળા શરૂ થઈ છે. ત્યારે શહેરની કમરીબાઈ હાઈસ્કૂલ મુલાકાત લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જ્યાં શાળા-સંચાલકો દ્વારા કંકુ-તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કમરીબાઈ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝર આપી આવકાર્યા હતા. શાળાએ આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. તમામ વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન અભ્યાસ કરતા શાળાએ આવી ભણવું ગમે છે, જ્યારે સંચાલકોએ કહ્યું, જોકે કેટલીક શાળાઓ ઉત્તરાયણ બાદ શરૂ થશે.
ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે 10 મહિનાથી અમે ઓનલાઈન અભ્યાસ કરતા હતા, પણ હવે ઓફફલાઈન અભ્યાસ એટલે કે સર સાથે લાઈવ ક્લાસમાં મજા આવે છે. સ્કૂલના મિત્રોને મળ્યા બાદ મજા આવે છે. ઓનલાઈન કરતાં ઓફફલાઈનમાં વધુ જાણવા મળે છે. થિયરી અને પ્રેક્ટિલ કરવાથી સમજમાં આવે છે. ઓનલાઈન અભ્યાસ હોવાથી ઘરે આળસ થતી અને અભ્યાસમાં ધ્યાન રહેતું નહોતું. સ્કૂલમાં તમામ પ્રકારની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ કોઈ વસ્તુની અંદરોઅંદર આપલે કરવાની પણ નથી. છેલ્લા 10 મહિનાથી શાળાઓ બંધ હતી. પરંતુ ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો. ત્યારે આજથી શાળા શરૂ થતાં શાળામાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ શાળામાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક ક્લાસમાં 50 ટકા વિદ્યાર્થીની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. શાળા પૂર્ણ થયા બાદ પણ એને સેનિટાઈઝ કરાશે.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર