તા.૧૦મી, જાન્યુઆરી થી તા.૧૭મી, જાન્યુઆરી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

                                           આગામી તા. ૧૦મી, જાન્યુઆરીથી તા. ૧૭મી, જાન્યુઆરી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કા્યક્રમ યોજાશે. જેને અનુલક્ષીને સંકલન સમિતિ હોલ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

                                            છોટાઉદેપુર જિલ્લામાં આયોજીત કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ કાર્યક્રમના આયોજન અંગે યોજાયેલી બેઠક દરમિયાન જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ વિગતે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કાર્યક્રમનો સૂચારૂ આયોજન થાય એ માટે તમામ અધિકારીઓએ આયોજકોને પુરતો સહકાર આપવાનો રહેશે. તેમણે કાર્યક્રમના સ્થળે કરવાની થતી સુવિધાઓ અંગે પણ વિસ્તૃત જાણકારી આપી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે જણાવ્યું હતુ.

                                               કાર્યપાલક ઇજનેર મોદીએ કિસાન સૂર્યોદય યોજના અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે આઠ કલાક પુરતો વીજ પુરવઠો ઉપલબ્ધ થાય એ માટે સરકાર તબકકાવાર જિલ્લામાં આ યોજનાની અમલવારી કરશે. પ્રથમ તબકકામાં ૧૧૯ ગામના ૩૬૩૦ ખેતી વિજ કનેકશન ધારકોને દિવસે આઠ કલાક વીજળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં છોટાઉદેપુર, બોડેલી, સંખેડા અને કવાંટ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

                                                 બેઠક દરમિયાન અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવાએ કાર્યક્રમના સૂચારૂ આયોજન અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગઠન કરવામાં આવેલી વિવિધ સમિતિઓ અંગે વિગતે જાણકારી આપી હતી. વધુમાં તેમણે આ સમિતિઓ દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.

                                                   છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને દિવસ દરમિયાન આઠ કલાક થ્રી ફેઝ વિજ પુરવઠો પુરો પાડવાની કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણના પ્રથમ દિવસે તા. ૧૦/૦૧/૨૦૨૧ના રોજ છોટાઉદેપુર ખાતે રાજયકક્ષાના મંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ, તા. ૧૫/૦૧/૨૦૨૧ના રોજ બોડેલી ખાતે રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર, તા.૧૬/૦૧/૨૦૨૧ના રોજ સંખેડા ખાતે રાજયકક્ષાના મંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ અને તા. ૧૭/૦૧/૨૦૨૧ના રોજ કવાંટ ખાતે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરશે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment