કવાંટ તાલુકાના વિજળી ગામે મશરૂમની ખેતી વિષયક સેમિનાર અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા વિજળી ગામે જિલ્લા પંચાયત, છોટાઉદેપુર અને નાયબ બાગાયત નિયામકની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની અધ્યક્ષતામાં મશરૂમની ખેતી વિષયક સેમિનાર અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોની આવક બમણી થાય એ માટે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે અને ખેડૂતો મશરૂમની ખેતી કરી પૂરક રોજગારી મેળવે એ માટે ખેડૂતોને મશરૂમની ખેતી વિષયક માર્ગદર્શન આપવા તથા જે ખેડૂતો મશરૂમની ખેતી કરવા માંગે છે તેમને કીટ વિતરણ કરવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે આધુનિક ખેતી કરવાના ફાયદાઓ અને ખેતીની સાથે અન્ય પૂરક વ્યવસાય કરી આવક મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વિષય નિષ્ણાંત વિનયભાઇ પટેલે ઉપસ્થિત ખેડૂતોને મશરૂમની ખેતી તથા મશરૂમની ખેતી કરી વધારાની આવક કઇ રીતે મેળવી શકાય એ અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી થાય એ માટે અનેકવિધ કૃષિ વિષયક યોજનાઓ અમલમાં મુકી છે. ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના આ પ્રયાસોના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
મશરૂમની ખેતી વિષયક સેમિનારમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સંજયભાઇ ભગરિયા, નાયબ બાગાયત નિયામક કૃણાલભાઇ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. ભરતભાઇ મહેતા, આત્માના પ્રોજેકટ ડાયરેકટર ડી.એન.પટેલ, બાગાયત, ખેતીવાડી અને આત્મા પ્રોજેકટના અધિકારી/કર્મચારીઓ અને ખેડૂતો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment