અરવલ્લીના મોડાસા તાલુકાના સરડોઇ ખાતે ડિઝીટલ સેવા સેતુનો શુભારંભ

હિન્દ ન્યૂઝ, મોડાસા,

રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ નો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિકારી મંડાણથી શરૂ કર્યો છે. તેના ભાગ રૂપે અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના સરડોઇની એ.એમ.શાહ હાઇસ્કુલ ખાતેથી બિન અનામત વર્ગ આયોગના ઉપાધ્યાક્ષ રશ્મીભાઇ પંડયાના અધ્યક્ષસ્થાને ડિઝીટલ સેવાસેતુનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ચેરમેનશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે રાજ્યના દૂર-દરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝીટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેમજ ખોટો લઇ ન જાય સાચો રહિ ન જાય તેવા ભાવ સાથે પ્રાથમિક તબક્કે વિવિધ ર૦ જેટલી સેવાઓ આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આગામી ૮ ઓકટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં વધુ ૮ હજાર ગ્રામ પંચાયતોને આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે. તેઓ કોમનમેન –સામાન્ય માનવી તરીકે નાગરિકો, લોકો-પ્રજાજનોને સરકારની સેવાઓ સરળતાએ સહજતાએ અને કોઇ જ વિલંબ વિના મળી રહેશે. વધુમાં ચેરમેનએ આ સેવા સેતુ કાર્યક્રમમાં ૮ થી ૧૦ ગામોનું કલસ્ટર બનાવી નિશ્ચિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે એટલું જ નહિ, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો પ્રજાહીતકારી ઉદેશ્ય છે. તેમણે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડિઝીટલ ટ્રાન્સફોર્મેશનની નવી પહેલ કરતાં ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડીને ભારત નેટ પ્રોજેકટ અન્વયે ડિઝીટલ સેવા સેતુનો નવતર અભિગમ શરૂ કરીને તાલુકા-જિલ્લા સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓ ગ્રામ્યસ્તરે સામાન્ય માનવીને તેની અનુકૂળતાએ અને નજીવી ફી દ્વારા ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ગુજરાત સમગ્ર દેશમાં આ વ્યવસ્થા વિકસાવી ભારત નેટ ફેઇસ-ર માં દેશભરમાં અગ્રેસર રહ્યું છે.  ડિઝીટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં 100 MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે. ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફી થી મળશે. આ ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. તદઅનુસાર, Oaths Act 1969ની કલમ-૩ ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે. ગામડાનો સામાન્ય માનવી પણ પોતાને જરૂરી એવી સેવાઓના સર્ટિફિકેટ પોતાના મોબાઇલ ફોનમાં કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ મેળવી શકે અથવા કયાંય આધાર-પૂરાવા તરીકે રજૂ કરી શકે તે માટે ભવિષ્યમાં ફિઝીકલ સાઇનને બદલે ઇ-સાઇન – E Sign દ્વારા સેવાઓ મંજૂર કરવાનો પણ અભિગમ અપનાવ્યો છે. આના પરિણામે સેવાઓ મંજૂર થાય એટલે સીધી જ જે-તે વ્યકિતના ડિજી લોકરમાં ઉપલબ્ધ થઇ જશે તો આવા યોજાતા સેવાસેતુનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ ધામેલિયા, જિલ્લા અગ્રણી રણવીરસિંહ ડાભી, મોડાસા પ્રાંત અધિકારી તાલુકા /જિલ્લા પંચાયતના સદસ્યઓ લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment