હિન્દ ન્યૂઝ, વડોદરા,
વડોદરા શહેરના અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં D-બ્લોકમાં રહેતા અને સિવિલ ડિફેન્સમાં જી.એ.એસ. તરીકે ફરજ બજાવતા સુરેશ ગનાજી ગામીત (ઉં.વ. 57)નો મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યો હતો. શુક્વારે સાંજના સમયે તેઓનો ગાડીનો ડ્રાઇવર વીકી મહાજન તેમને લેવા માટે ગયો હતો. વીકીએ ઘરનો દરવાજો ખોલીને અંદર જતાં સુરેશભાઇ ગામીત તેઓના પલંગમાં છતાપાટ પડેલા હતા. અને તેઓના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું. વીકીએ સુરેશભાઇને બેભાન હાલતમાં જોતા જ ઓફિસના સાથી કર્મચારી સુધાકરભાઇ સૂર્યવંશીને ફોન કરીને જાણ કરી હતી. બનાવની જાણ સિવીલ ડિફેન્સના ઉચ્ચ અધિકારીને કરાતા તેઓની સુચના મુજબ વીકી મહાજને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. જ્યાં ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. દરમિયાન સુરેશભાઇ ગામીતનું મોત નીપજ્યું હોવાની જાણ સિવિલ ડિફેન્સની વિવિધ કચેરીઓમાં થતાં કર્મચારીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ઉપર આવી પહોંચેલા સિવિલ ડિફેન્સના કર્મચારી સુધાકરભાઇએ જણાવ્યું હતું કે, અધિકારી સુરેશભાઇ ગામીત સ્વચ્છ પ્રતિભા ધરાવતા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી રજા ઉપર હતા. બે દિવસ પહેલાં તેઓના ઘરે સહી કરાવવા માટે ગયા હતા ત્યારે તેઓ મારી સામે રડી પડ્યા હતા. અને મને કહ્યું હતું કે, હું માનસિક ત્રાસથી કંટાળી ગયો છું. તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. તે વાત ચોક્કસ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારી સુરેશભાઇ ગામીત સિવિલ ડિફેન્સના સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારી હતા. પરંતુ તેઓ દારૂ રવાડે ચઢયા હતા. અવાર નવાર સિવિલ ડિફેન્સની ઓફિસમાં દારૂ અને નોનવેજની મહેફિલ પણ જામતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા