કોરોના મહામારીમાં વડોદરામાં માતાજીની પધરામણીમાં 2000 ભક્તો એકઠા થયા

હિન્દ ન્યૂઝ, વડોદરા,

કોરોનાની મહામારીમાં વડોદરાના ખોડિયાર નગરમાં એક પરિવાર દ્વારા ઘરમાં માતાજીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની પરંપરા મુજબ મહેસાણાના ચાણસ્મા ગામના લોકો માતાજીને વાજતે-ગાજતે લેવા માટે આવ્યા હતા. આ અવસરમાં વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરના હજારોની સંખ્યામાં લોકો ખોડિયાર નગરમાં ઊમટી પડ્યા હતા. ખોડિયારનગરમાં વહેલી સવારે ઊમટી પડેલા માનવ મહેરામણને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ખોડિયારનગરમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હોવાની જાણ થતાં પોલીસકાફલો પહોંચી ગયો હતો અને સંયમ રાખીને ટોળાંને વિખેરી નાખ્યું હતું. કેટલાક શ્રદ્ધાળુઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી પડ્યા હતા. આ બનાવમાં પોલીસે મહિલાઓ સહિત 50 જેટલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. કોવિડ-19ની ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી દીધા હતા. ઉત્સવમાં ઊમટી પડેલી એકપણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું. પરંપરા મુજબ, ચાણસ્મા ગામના લોકો માતાજીને તેડવા માટે વિવિધ વાહનોમાં આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત માતાજીના ઉત્સવમાં વડોદરામાં રહેતા સમાજના લોકો તેમજ અમદાવાદ, સુરત સહિત વહેલી સવારે ખોડિયારનગરમાં દોઢથી બે હજારની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. અને અબિલગુલાલની છોળો અને ઢોલ-નગારાના તાલ સાથે માતાજીનાં વધામણાં કરી રહ્યા હતા. ખોડિયારનગર ચાર રસ્તા વિસ્તારમાં ચિક્કાર માનવ મેદનીને કારણે મુખ્ય માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વહેલી સવારે નોકરી-ધંધાર્થે નીકળેલા લોકો પણ ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

 

Related posts

Leave a Comment