નવાગઢ નગરપાલિકાની દુર્દશા : કારીગરો-મજૂરોને પોતાની રીતે મોબાઈલ ફ્લેશ લાઇટની મદદથી કામ પાર પડાવીને “આત્મનિર્ભર” બનવાની એક તક પુરી પાડી

હિન્દ ન્યૂઝ, જેતપુર,

જેતપુર નવાગઢ નગરપાલિકાની દુર્દશા તો એટલી હદે દયનિય બની છે કે ખુદ નગરપાલિકા ના કામ કાજ માટે પણ શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જો સૂત્રોની માનીએ તો નગરપાલિકા પાસે બંધ લાઈટો ચાલુ કરવા માટે નવી લાઈટો જ સ્ટોકમાં હાજર નથી. કરોડો રૂપિયાના ટેક્ષ ઉઘરાવતી અને ગ્રાન્ટ મેળવતી જેતપુરની નગરપાલિકાની આ હદે સ્થિતિ ખરાબ હોય તો કોઈ પણ માનવા તૈયાર ના થાય. પણ જ્યારે મજૂરો અંધારામાં રોડના સમારકામ મોબાઈલની ફ્લેશ લાઈટોથી કરતા હોય તો જરૂરથી માનવું પડે. જેતપુરના તમામ રોડ નબળી ગુણવત્તાને કારણે ઠેર ઠેર તૂટી ગયા છે. અમુક માર્ગોને રોડ બન્યાના અમુક મહિનાઓમાં જ બે ત્રણ વાર રીપર કરવા પડ્યા છે અથવા તો નવા જ બનાવવા પડ્યા છે. આ વર્ષે જેતપુરના ખાડાઓ પણ કોરોનાના આંકડાઓ સાથે સાથે સમાચારોમાં ચમક્યા હતા. જેના લીધે ફાટેલા વિકાસને આજે શહેરના તીન બત્તી ચોકથી બગીચા સુધી થીગડાં મારવાની ફરજ પડી હતી. શહેરનો મુખ્ય માર્ગ હોવાને કારણે દિવસે કામ કરવું અત્યંત મુશ્કેલી ભર્યું છે. ના છૂટકે રાત્રે જ કરવા પડતા રોડ રિપેરીંગના કામમાં લાઈટ વિઘ્નરૂપ બની હતી. કારીગરો મજૂરો માત્ર ત્રણ ચાર મોબાઈલની ફ્લેશ લાઈટોથી કામ કરતા હતાં. આટલા ઓછા પ્રકાશમાં કામ કેવું થતું હશે તેનો અંદાજો અંધારામાં તીર માર્યાની કહેવત જેવો જ લગાવવો પડે. સ્ટ્રીટ લાઈટ બંધ છે તો નગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારની અલગથી લાઈટ કે જનરેટરની વ્યવસ્થા કરવાને બદલે પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા હતા અને કારીગરો-મજૂરોને પોતાની રીતે મોબાઈલ ફ્લેશ લાઇટની મદદથી કામ પાર પડાવીને “આત્મનિર્ભર”બનવાની એક તક પુરી પાડી હતી.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment