રાજકોટ,
તા.૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ મિડીયા ફેક ઇન્સ્ટ્રાગ્રામ I.D માં ભેજાબાજે બિભત્સ ફોટા મૂક્યા હતા. ભેજાબાજે તરૂણીને ફોન કરીને ફોટા વાયરલ નહીં કરવા તેમજ I.D અને ફોટા ડીલીટ કરવા મારે રૂ.૧૫ હજારની માગણી કરી હતી. તરૂણીના પરિવારે આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. D.C.B પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ P.I એન.એન.ચુડાસમા, P.S.I જે.કે.ગઢવી, સી.એચ.પટેલ, કે.જે.રાણા સહિતના સ્ટાફે ટેકનિકલ સોર્સની મદદથી ફેક I.D બનાવનારની ઓળખ મેળવી લીધી હતી. દરમિયાન ભેજાબાજે તરૂણીને ફોન કરીને ૧૫ હજારની માગણી ચાલુ રાખતા P.I ચુડાસમા સહિતના સ્ટાફે ટ્રેપ ગોઠવીને ઇન્દીરા સર્કલ નજીકથી પૈસા લઇ જવા કહેવડાવ્યું હતું. તરૂણી પૈસા લઇને પહોંચી ત્યારે મિહીર રમેશભાઇ કાસુંદ્રા ઉ.૧૯ રહે. મુંજકા હિલટોપ એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૧ પૈસા લેવા આવ્યો હતો. વોચમાં રહેલા સ્ટાફે મહિર કાસુંદ્રાને રંગે હાથ ઝડપી લીધો હતો. વિશેષ પૂછપરછ કરાતા મિહીર કાસુંદ્રાએ પોતે ચોટીલામાં રહેતા અને કનૈયા હોટલ ધરાવતા યશ ભૂપેન્દ્રભાઇ બાંભણીયા ઉ.૧૯ ના કહેવાથી પૈસા લેવા આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે યશ બાંભણીયાને પણ સકંજામાં લઇ લીધો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
