તા.૩૧મીએ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ માટે SNIC કેમ્પના NCC કેડેટ્સે તૈયારીઓ તેજ કરી

હિન્દ ન્યુઝ, સુરત

    રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે એકતા નગર ખાતે યોજાનાર ભવ્ય એકતા પરેડ માટે સ્પેશિયલ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ (SNIC)માં ભાગ લઈ રહેલા NCC કેડેટ્સ સઘન તૈયારીઓ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ભવ્ય એકતા પરેડમાં ભાગ લેવા માટે NCC કેડેટ્સમાં થનગની રહ્યા છે. કેડેટ્સે એકતા નગરના પરેડ ગ્રાઉન્ડ પર શિસ્ત, ચોકસાઈ, સુમેળ અને એકાગ્ર થઈને ડ્રિલની આકરી પ્રેક્ટિસ કરી હતી, જેથી પરેડ દરમિયાન કોઈ ક્ષતિ ન રહી જાય.

         આ પ્રસંગે વડોદરા ગ્રુપના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર કે.ડી.એસ. ઝાલાએ કેમ્પમાં કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કેડેટ્સને રાષ્ટ્રીય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દ્રઢ કરવાની સાથે શિસ્ત, ટીમવર્ક અને સમર્પણના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

          આ ઉપરાંત, કેડેટ્સને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવાની તકો વિશે માહિતગાર કરવા લેક્ચર પણ યોજવામાં આવ્યું હતું. સાથોસાથ, પ્રતિષ્ઠિત ઇન્ડિયન મિલિટરી એકેડેમી-IMA, દહેરાદૂન પરની એક ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી હતી, જેમાં કેડેટ્સને લશ્કરી તાલીમ, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાની ભાવના વિશે મહત્વપૂર્ણ જાણકારી અપાઈ હતી.

           દેશ જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે સજ્જ છે, ત્યારે NCC કેડેટ્સ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને “વિવિધતામાં એકતા”ના આદર્શોનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિત છે. આ રાષ્ટ્રીય પરેડમાં પોતાની સજ્જત અને કુશળતા દર્શાવવા માટે કેમ્પમાં તાલીમ અને સંકલિત પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. 

Related posts

Leave a Comment