દાહોદ જિલ્લાના CHC કતવારા ખાતે ચામડીના રોગો માટે આરોગ્ય શિબિર યોજાઈ, 128 દર્દીઓએ કરાવી આરોગ્ય તપાસ

હિન્દ ન્યુઝ, દાહોદ

   જિલ્લા રક્તપિત્ત કચેરી, કતવારા દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા IADVL ના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કતવારા ખાતે આજે ચામડીના રોગો સંબંધિત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 128 દર્દીઓએ આરોગ્ય તપાસ કરાવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં ઝાયડસ હોસ્પિટલનાં તબીબો ડૉ. ખુશ્બુ તથા ડૉ. મોહબત બારીયા દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

શિબિરમાં તપાસ કરાયેલા દર્દીઓમાં દાદરના 32, સફેદ ડાઘના 28, નવા રક્તપિત્તના 4, અગાઉથી રક્તપિત્તની સારવાર લઈ ચૂકેલા અથવા જૂના રક્તપિત્તના 7, ખંજવાળના 38 તથા કરોળિયા અને સોરાયસિસ સહિતના ચામડીના રોગોના 19 દર્દીઓનો સમાવેશ થાય છે.

શિબિરનો મુખ્ય હેતુ અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો, ચામડીના રોગો તથા રક્તપિત્તનું વહેલી તકે નિદાન કરવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.

આ પ્રસંગે લોકોને રક્તપિત્તનાં લક્ષણો અંગે જાગૃત કરી, શરીર પર સંવેદનાનો અનુભવ ન થતો ડાઘ કે ચામડી પર અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સમજાવવામાં આવ્યા હતા. રક્તપિત્તનું સમયસર નિદાન અને સંપૂર્ણ સારવાર કરાવવાથી રોગને કારણે થતી વિકલાંગતા અટકાવી શકાય છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના વહેલા નિદાન, સમયસર સારવાર અને જનજાગૃતિના માધ્યમથી રક્તપિત્તમુક્ત સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment