કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ શાળા છોડી જનારી છાત્રાને રૂબરૂ મળી ફરી શિક્ષણ શરૂ કરવા ભાવપૂર્વક સમજાવી

હિન્દ ન્યુઝ, વડોદરા

શિક્ષણ અધવચ્ચેથી છોડી જનારા બાળકોને પરત શાળાએ લાવવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદ પાટીલે અભિયાન છેડ્યું છે. આ બન્ને અધિકારીઓ દ્વારા આજે ડ્રોપ આઉટ થયેલા બાળકો અને તેમના પરિવારજનોને તેમના ઘરે જઇને રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. શાળા છોડી જનારા બાળકને લાગણીપૂર્વક શિક્ષણ ફરી શરૂ કરવા સમજાવવામાં આવ્યા હતા.

કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આજે સવારના બાજવા અને સાંકરદા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક છાત્રાના પરિવારની મુલાકાત લીધી હતી. બન્ને અધિકારીઓ છાત્રાના માતાપિતા પાસે બેસીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. છાત્રા અને તેના પરિવારજનોની સામાજિક તથા આર્થિક સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

બન્ને અધિકારીઓને કન્યા શિક્ષણ શા માટે મહત્વનું છે ? એ વિશે વાલીઓ સાથે વિશદ્દ ચર્ચા કરી હતી અને છોકરીઓને અભ્યાસ માટે શાળામાં મૂકવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના વિકલ્પે ઓપન સ્કૂલ પદ્ધતિ અપનાવા માટે પણ વાલીઓ સમક્ષ આગ્રહ કરવામાં આવ્યો હતો. છાત્રાઓને પુસ્તકો પણ પ્રોત્સાહક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ ડ્રોપ આઉટ થયેલા બાળકોને શાળાઓમાં પુનઃસ્થાપિત કરવા માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે. તેને ધ્યાને રાખીને જિલ્લાના બન્ને અધિકારીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે સાથે આ મુલાકાત લેવામાં આવી હતી.

અત્રે એ પણ નોંધવું ઘટે કે, વડોદરા જિલ્લામાં ૬૫૪૦ બાળકોને શાળાઓમાં રિએનરોલમેન્ટ કરવામાં આવ્યું છે. ૧૫૮૫ છાત્રોનું અન્ય માઇગ્રેશન થયું છે.

Related posts

Leave a Comment