કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા નખત્રાણાના નિરોણા અનામત જંગલ વિસ્તારમાંથી ૩૦૦ હેક્ટરનું બિનઅધિકૃત દબાણ દૂર કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ 

     કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની નખત્રાણા (પૂર્વ) રેન્જના નિરોણા ગામે આવેલ ૬૭૬૬.૨૫ હેક્ટર જમીનને સચિવાલય, ગાંધીનગરના ગેઝેટ નોટિફિકેશન ક્રમાંક: AKH/140-79/FLD-16791-87507-P-2, તારીખ ૨૨/૦૮/૧૯૭૯થી ‘અનામત જંગલ’ તરીકે જાહેર કરવામાં આવેલી છે. આ જમીન પૈકીના નિરોણા ભાગ-૧ ની ૧૬૮૦.૭૪ હેક્ટર જમીનમાંથી અંદાજિત ૩૦૦ હેક્ટર જમીન પર નિરોણા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી છેલ્લા આશરે ૩૦ વર્ષથી બિનઅધિકૃત રીતે ખેતી વિષયક દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે આજ રોજ તારીખ ૦૮/૦૬/૨૦૨૬ના વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ, ભુજ ડૉ. ધીરજ મિત્તલ તથા નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ શ્રી એચ. જે. ઠક્કરના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન વિભાગ તેમજ નખત્રાણા (પૂર્વ) રેન્જ, નખત્રાણા (પશ્ચિમ) રેન્જ, માંડવી રેન્જ તથા ભુજ (પશ્ચિમ) રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીઓ અને કચ્છ પશ્ચિમ વન વિભાગના કુલ ૬૫ કર્મચારીઓ તથા પોલીસ વિભાગના ૬૫ કર્મચારીઓના સંયુક્ત સ્ટાફ દ્વારા ૨૦-જે.સી.બી. મશીન અને ૧૫-ટ્રેક્ટર જેવા સાધનોની મદદથી ૩૦૦ હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશમાં કચ્છ પશ્ચિમ જિલ્લા પોલીસ તંત્ર તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્રનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. તા. ૦૮/૦૬/૨૦ર૬ના રોજ પ્રથમ દિવસે ૧૮૦ હેક્ટર વિસ્તારમાંથી સફળતાપૂર્વક દબાણ દૂર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય બાકી રહેતા દબાણગ્રસ્ત વિસ્તારમાંથી આગામી તા. ૦૯/૦૬/૨૦૨૬ સુધીમાં દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આ વિસ્તારમાં દબાણ દૂર થયા બાદ, આગામી વર્ષ ૨૦૨૭-૨૮ દરમિયાન નિરોણા અનામત જંગલ વિસ્તાર પૈકીના ૩૦૭ હેક્ટર વિસ્તારમાં વન વિભાગ દ્વારા વાવેતરની કામગીરી હાથ ધરવામાં આવશે.

વધુમાં, કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની નખત્રાણા (પૂર્વ) રેન્જના મંગવાણા રાઉન્ડના મોજે સાંયરા ગામે આવેલ સેક્શન-૪ની કુલ ૧૦૫.૭૩ હેક્ટર જમીન પૈકીની જમીનમાંથી અંદાજિત ૨૦ હેક્ટર જમીનમાં સાંયરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી બિનઅધિકૃત રીતે ખેતીવિષયક દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવાની કામગીરી તારીખ ૦૩/૦૬/૨૦૨૬ થી ૦૬/૦૬/૨૦૨૬ દરમિયાન સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

આ ઉપરાંત, કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની દયાપર (ઉત્તર) રેન્જના ઘડુલી રાઉન્ડના શિણાપર અનામત જંગલ વિસ્તારના કુલ ૮૮૪ હેક્ટર પૈકીના ૪૩૩ હેક્ટર પૈકીમાં ૧૦૦ હેક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિનઅધિકૃત ખેતીવિષયક દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવાની સરાહનીય કામગીરી વન વિભાગ દ્વારા ગત તારીખ ૦૨/૦૬/૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી.

નાયબ વન સંરક્ષક, કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન વિસ્તારની કોઈપણ જમીનમાં દબાણ ન કરવા માટે જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે. તેમ છતાં જો કોઈ પણ વ્યક્તિ દ્વારા જંગલની જમીન પર બિનઅધિકૃત દબાણ કરવામાં આવશે, તો તેઓની વિરૂદ્ધ કાયદાના નિયમોનુસાર કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ દ્વારા જણાવાયું છે. 

Related posts

Leave a Comment