૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

હિન્દ ન્યુઝ, વલસાડ 

    ખેતરથી લઈને થાળી સુધીનો ખોરાક સુરક્ષિત રહે અને લોકો બીમારીથી બચી શકે તે માટે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (world food safety day) સમગ્ર વિશ્વમાં તા. ૭ જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને દરેક વ્યક્તિને સ્વચ્છ, સલામત અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહે છે. બજારમાં મળતી ખાદ્ય સામગ્રી શુદ્ધ અને આરોગ્ય માટે હાનિકારક ન હોય તેની સંપૂર્ણ દેખરેખ રાખવાની મહત્વપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના શિરે છે. છેલ્લા પાંચ વર્ષમાં વલસાડ જિલ્લામાં આ વિભાગ દ્વારા ખોરાકમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ૩૦૩ સંસ્થા સામે કડક કાર્યવાહી કરી કુલ રૂ. ૧, ૦૨, ૯૨, ૫૦૦ નો દંડ ફટકારી કાયદાનું ભાન કરાવ્યું છે. 

વલસાડ જિલ્લામાં લાઈસન્સ અને રજિસ્ટ્રેશન ધરાવતી કુલ ૧૬૦૬૨ સંસ્થા છે, જેમના દ્વારા ભેળસેળયુક્ત કે હલકી કક્ષાની સામગ્રી ન વેચાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બાજ નજર રાખવામાં આવે છે. આ અંગે વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી આશિષ વળવી વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની શુભેચ્છા પાઠવી જણાવે છે કે, આજની આ દિવસની ઉજવણીનો હેતુ ખોરાકજન્ય રોગોથી દર વર્ષે લાખો લોકો બીમાર પડે છે, તેને ઘટાડવા માટે અને સુરક્ષિત ખોરાકને વૈશ્વિક પ્રાથમિકતા બનાવવા માટેનો છે. દરેકને શુદ્ધ અને સલામત ખોરાક મળે તે માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૧૯થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા લોકોને લાઇસન્સ અને રજીસ્ટ્રેશન કરવા માટે અવેરનેસ કેમ્પ કરવામાં આવે છે. દૂધ અને દૂધની બનાવટ અને પનીર સહિતનું ઉત્પાદન કરતી સંસ્થા, વેચાણ કરતી દુકાનો, ડેરી અને વપરાશ કરતી હોટલોમાં અવારનવાર ચેકીંગ કરવામાં આવે છે. દર મહિને અને વારે તહેવારે ચેકીંગ કરી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે બરોડા, રાજકોટ અને ભુજ સુધી મોકલવામાં આવે છે. હવે આગામી દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ લેબોરેટરી વલસાડ ખાતે બનવા જઇ રહી છે, જેની કાર્યવાહી ચાલી રહી છે. જે ફૂડ સેફ્ટી કામગીરીને વધુ મજબૂત બનાવશે.

વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી કામગીરી અંગે ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી વળવી વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૨૧થી ચાલુ વર્ષ મે – ૨૦૨૬ સુધીના સાડા પાંચ વર્ષમાં જિલ્લામાંથી અનેક સંસ્થાઓમાંથી વિવિધ ખાદ્ય સામગ્રીના કુલ ૨૫૬૫ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૨૨૯ નમૂના નાપાસ થયા હતા એટલે કે, ખાવા યોગ્ય ન હતા. જ્યારે ૨૩૩૬ નમૂના પાસ થયા હતા. જે નમૂના નાપાસ થયા હોય તે સંસ્થાના માલિક વિરુદ્ધ એડજ્યુકેટીંગ જજમેન્ટ એટલે કે, નિવાસી અધિક કલેકટરશ્રીની કોર્ટમાં કેસ દાખલ કરી સુનાવણી કરવામાં આવે છે, જેમાં કુલ ૩૦૧ કેસમાં રૂ. ૯૬,૮૨,૫૦૦ની પેનલ્ટી દંડ પેટે ફટકારવામાં આવી હતી. આ સિવાય બે કોર્ટ કેસ કરવામાં આવ્યા હતા, જેમાં બે સંસ્થાને રૂ. ૬,૧૦,૦૦૦ નો દંડ અને ૩ માસની જેલની સજા પણ ફટકારવામાં આવી હતી. 

આમ, વલસાડ જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા સતત દેખરેખ, કડક કાર્યવાહી અને જાગૃતિ અભિયાન દ્વારા નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને શુદ્ધ ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ સતત ચાલુ છે, સાથે જ ભેળસેળીયા તત્વો સામે સરકાર દ્વારા કાયદાનો કોરડો પણ વીંઝાય રહ્યો છે. 

બોક્ષ મેટર 

સોશિયલ મીડિયાને કારણે ફૂડ વિભાગની કામગીરી ઝડપી બની

હાલમાં સોશિયલ મીડિયાના જમાનામાં ખાદ્ય સામગ્રી પ્રત્યે લોકોમાં સભાનતા વધી ગઈ છે. આરોગ્ય સાથે ચેડાં થાય તેવી બાબત હોય તો તાત્કાલિક વાયરલ થઈ જાય છે. જેને ધ્યાનમાં લઇ ફૂડ વિભાગ દ્વારા ત્વરિત અસરે જે તે સંસ્થામાં ચેકીંગ કરવામાં આવે છે. સોશિયલ મીડિયાને કારણે ફૂડ વિભાગની કામગીરી ઝડપી અને અસરકારક બની છે.

બોક્ષ મેટર

ટેસ્ટિંગ વાન દ્વારા શાળા,કોલેજ અને હટવાડામાં જાગૃતિ અભિયાન

જાન્યુઆરી – ૨૦૨૨માં રાજ્ય સરકાર દ્વારા વલસાડ જીલ્લાનાં ફૂડ વિભાગને ટેસ્ટિંગ વાન ફાળવવામાં આવી છે, જેના દ્વારા સ્કૂલ-કોલેજ અને ગામડામાં ભરાતા હટવાળામાં જઇ લોકોને ખાદ્ય સામગ્રી વિશે જાગૃત કરવામાં આવે છે. ખરીદી કરતી વખતે પેકેટ પર કઈ કઈ વિગત ચેક કરવી, ખાદ્ય સામગ્રીનો કલર અને સ્વાદ, ઠંડાપીણાં ખરીદી વખતે શુ ધ્યાન રાખવું અને શું ખાવું અને શું ન ખાવું એ બાબતો અંગે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. 

 

Related posts

Leave a Comment