બજારમાં શુદ્ધ અને ઝેરમુક્ત આહાર મળવો એક મોટો પડકાર બન્યો છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

  આજે બજારમાં શુદ્ધ અને ઝેરમુક્ત આહાર મળવો એક મોટો પડકાર બન્યો છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. ખાસ કરીને કૃષિમાં પેસ્ટીસાઈડ અને રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગના પરિણામે આરોગ્યની ગંભીર સમસ્યાઓ નવા સ્વરૂપે સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢના એક અનોખા સંગઠને લોકોને ભરોસાપાત્ર, શુદ્ધ, સુરક્ષિત અને ઝેરમુક્ત આહાર પૂરો પાડવાની નેમ ઉપાડી છે.

ખેડૂતોના આ સંગઠનની વિશેષતા એ છે કે, આનાથી લોકોને આરોગ્યપ્રદ આહાર તો મળી જ રહ્યો છે, સાથે જ ખેડૂતોએ પણ મક્કમતાથી સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે.

જૂનાગઢ, માણાવદર અને વંથલી તાલુકાના ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ૩૦૦ ખેડૂતોના સંગઠને જૂનાગઢમાં એક નાના એવા મોલના માધ્યમથી ગ્રાહકો સુધી સીધા જ શુદ્ધ અને સાત્વિક એવા પ્રાકૃતિક ઉત્પાદનો પહોંચાડીને કેમિકલયુક્ત આહાર સામે એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે.

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની ગીર કૃષિ ઋષિ SPNF ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સી.ઈ.ઓ. તરીકેનો કાર્યભાર સંભાળતા ધીરજભાઈ ભલાણી કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સવિશેષ યોજનાઓ શરૂ કરી છે. એ યોજના અંતર્ગત જ ખેડૂતોના એફ.પી.ઓ. એટલે કે ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ બનાવવામાં આવે છે, જેનો આર્થિક લાભ કોઈ વચેટિયા કે વેપારીને નહીં પરંતુ સીધો ખેડૂતોને મળે છે.

તેમણે જણાવ્યું કે, અમારો એફ.પી.ઓ. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનો બનેલો છે. ખાસ કરીને જ્યારે આજે લોકોને ઝેરમુક્ત આહાર મળવો મુશ્કેલ બન્યો છે, ત્યારે સુલભ રીતે લોકોને આરોગ્યપ્રદ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો મળી રહે તે માટે જૂનાગઢમાં (શ્રી લક્ષ્મી પેલેસ, પેટ્રોલ પંપની પાસે ઝાંઝરડા રોડ) ‘પ્રાકૃતિક આહાર મોલ’ શરૂ કરવામાં આવ્યો છે. તેના માધ્યમથી લોકોને ભરોસાપાત્ર અને શુદ્ધ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આમ, ગ્રાહકોને આરોગ્યપ્રદ આહાર મળે છે અને ખેડૂતોને પણ માર્કેટ યાર્ડના ભાવ કરતાં ૧૦ થી ૧૫ ટકા ઊંચા ભાવ મળે છે.

ગીર કૃષિ ઋષિ એસ.પી.એન.એફ. ફાર્મર પ્રોડ્યુસર કંપની પોતાના સભાસદ ખેડૂતો દ્વારા સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલ અનાજ, કઠોળ, મસાલા, મિલેટ્સ અને પંચગવ્ય પ્રોડક્ટ્સ વગેરેનું વેચાણ કરે છે.

તેમણે ઉમેર્યું કે, મોટાભાગના ખેડૂતો કૃષિ ઉત્પાદન કરી જાણે છે, પરંતુ પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગમાં પાછા પડતા હોવાથી તેમને પૂરતો વ્યવસાયિક લાભ મળતો નથી. પરંતુ એફ.પી.ઓ.ની રચનાથી ખેડૂતોના ઉત્પાદનોનું પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ સરળ બન્યું છે.

તેઓ વધુમાં કહે છે કે, ખેડૂતોની આ કંપનીની આર્થિક સ્થિતિ હવે મજબૂત થઈ રહી છે. આગામી સમયમાં કેન્દ્ર સરકારની અંદાજે રૂ. ૩૦ લાખની સહાયથી શાકભાજી અને ફળો માટે કોલ્ડ સ્ટોરેજ પણ શરૂ કરવામાં આવશે, જેનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં જ પ્રારંભ થશે. આ કોલ્ડ સ્ટોરેજ બન્યા બાદ શાકભાજી અને ફળોનું પ્રોપર ગ્રેડિંગ-પેકિંગ કરીને આખી સપ્લાય ચેઈન ઊભી કરવામાં આવશે. ઉપરાંત અનાજ, કઠોળ વગેરેના શોર્ટિંગ-ગ્રેડિંગ માટેનો પ્રોજેક્ટ પણ શરૂ થવા જઈ રહ્યો છે.

ખેડૂતોના આ એફ.પી.ઓ.નો હવે સતત વિસ્તાર થઈ રહ્યો છે. હાલમાં ૩૦૦ જેટલા ખેડૂત સભાસદો નોંધાયેલા છે, જેમાં આગામી સમયમાં ઉમેરો થઈને આ સંખ્યા ૭૦૦ને પાર પહોંચશે. આ એફ.પી.ઓ. દ્વારા થતા નફાને ડિવિડન્ડ સ્વરૂપે સભાસદ ખેડૂતોને જ પરત કરવામાં આવે છે.

આત્મા પ્રોજેક્ટ- જૂનાગઢનો પણ ખેડૂતોને સંગઠિત અને FPOની રચના કરવામાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

નોંધનીય છે કે, એફ.પી.ઓ.ની રચના કંપની એક્ટ હેઠળ કરવામાં આવે છે. ખાસ કરીને આ ખેડૂતોની કંપની પગભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી ટેકો પૂરો પાડવામાં આવે છે. સરકાર ત્રણ વર્ષ સુધી વ્યવસાયિક એકમનું ભાડું તેમજ ધારાધોરણ મુજબ સી.ઈ.ઓ. અને એકાઉન્ટન્ટનો પગાર પણ પૂરો પાડે છે.

ઉલ્લેખનીય છે કે, ૭ જૂન ને ‘વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય આશય એ છે કે લોકો જે ખોરાક આરોગે છે તે શુદ્ધ, સુરક્ષિત અને રોગમુક્ત હોય. બગડેલો કે કેમિકલયુક્ત ખોરાક ખાવાથી દર વર્ષે લાખો લોકો બીમાર પડે છે, ત્યારે આ ગંભીર સમસ્યા પ્રત્યે જનજાગૃતિ કેળવાય તે અનિવાર્ય છે.

આ વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી “From burden to solutions – safe food everywhere – બોજમાંથી ઉકેલો તરફ – સર્વત્ર સુરક્ષિત ખોરાક ની થીમ પર થઈ રહી છે. તેનો અર્થ એ છે કે અસુરક્ષિત આહારના કારણે જે બીમારીઓ અને આર્થિક નુકસાનનો ‘બોજ’ સમાજ પર આવી રહ્યો છે, તેને હટાવીને હવે આપણે એવા ‘ઉકેલો’ તરફ આગળ વધીએ જેથી દુનિયાની દરેક વ્યક્તિને ગમે ત્યાં સુરક્ષિત ભોજન મળી રહે.

Related posts

Leave a Comment