હિન્દ ન્યુઝ, રાજપીપલા
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામકશ્રી આયુષની કચેરી-ગાંધીનગર તથા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપલા દ્વારા આજરોજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાનમાં આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આ મેળામાં આયુર્વેદને લગતી અને તેની ચિકિત્સા પધ્ધતિ અંગે સમજ આપતા વિવિધ ૯ જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં ઓ.પી.ડી. સહિત દવાઓના વિતરણ અને આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિથી નિષ્ણાંત તબીબો ધ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી.
આયુષ મેળાના ઉદધાટન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, હર દિન હર ઘર આયુર્વેદ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આયુષ મેળા થઈ રહ્યાં છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આયુષ મેળો યોજાયો છે. અગાઉ આપણે જોયું છે તેમ કોરોનાકાળ દરમિયાન આયુર્વેદને ખૂબ મહત્વ અપાયું હતું જેને આપણે સૌએ જાણ્યું છે અને લ્હાવો પણ લીધો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, હજારો વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ચાલતી આવી છે. પરંતુ એલોપેથી દવાઓના અતિરેક અને કોઈપણ રોગમાંથી જલ્દી સાજા થવાની દોડમાં આ એલોપેથી દવાઓનો અતિરેક વધી રહ્યો છે, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિને વિશ્વ સ્તરે નામના અપાવનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૧૪ માં આયુષ મંત્રાલયની શરૂઆત કરી સમગ્ર દેશમાં તેના વિભાગો શરૂ કરીને આ ચિકિત્સા પધ્ધતિને લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે. આ વિભાગ દ્વારા આયુર્વેદ અને યોગ ચિકિત્સાને પ્રાધાન્ય આપ્યું છે. તેના થકી આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ પુન: સ્થાપિત થઇ રહી છે. માત્ર એટલું જ નહી યોગ દ્વારા પણ મનુષ્ય પોતાનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવી રાખે છે. જેને ધ્યાનમાં રાખીને હાલમાં આપણે ત્યાં પણ ૯ જેટલાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો કાર્યરત છે. જેનો પણ નાગરિકોને લાભ લેવા પ્રમુખશ્રીએ અનુરોધ કર્યો હતો. આ સેન્ટરો ઉપરથી માત્ર દવાઓજ નહીં પણ યોગથી સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તે અંગેનું જરૂરી માર્ગદર્શન પણ નિષ્ણાંતો દ્વારા પુરૂં પાડવામાં આવે છે.
પ્રમુખશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આયુર્વેદ પ્રત્યે સરકારનો સરાહનીય અને સકારાત્મક અભિગમ પણ રહ્યો છે કે, દિન પ્રતિદિન લોકો એલોપેથિક દવાઓનો ઉપયોગ ટાળીને આયુર્વેદ તરફ પાછા વળે. કારણ કે આપણી વચ્ચે દરેક પ્રકારની જડીબુટ્ટીઓ તો પડેલી જ છે. જેનો આયુર્વેદ હોસ્પિટલના તબીબો દ્વારા સમજણ આપવામાં આવે તેને અનુસરીને સાચી પદ્ધતિથી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરીએ તો ચોક્કસ પણે રોગને જડમૂળથી મટાડી શકીએ તેવી તાકાત આયુર્વેદમાં રહેલી છે. રોગમાંથી સાજા થવાની સાથે આ દવાઓથી શરીરને નુકશાન નહીં પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. તેનો દાખલો આપવામાં આવે તો બે વર્ષ પૂર્વે ઉદભવેલી કોરોનાકાળની સ્થિતિમાં ઉકાળો આપણા સૌના માટે અકસીર સાબિત થયો હતો. સાથોસાથ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન જિલ્લા આયુર્વેદ વિભાગ અને આયુર્વેદ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ પ્રમુખએ બિરદાવી એલોપેથિ દવાઓથી દૂર થઈ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરતા થાય અને લોકોનું ધ્યાન તે તરફ આકર્ષિત થાય તે માટેના પ્રયાસો કરવા પણ અનુરોધ કર્યો હતો. આયુર્વેદના ઉપયોગ થકી આપણે સ્વસ્થ રહીએ, આપણું ભાવિ સ્વસ્થ રહે અને નિરોગી દેશની સમૃદ્ધિ સાથે તંદુરસ્ત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બનવા સૌ કોઈને અપીલ કરી હતી.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી છે. જે સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. જ્યારે એલોપેથિનો જમાનો નહોતો ત્યારે પણ ભારતીય સભ્યતામાં આયુર્વેદનું અનેક ઘણુ મહત્વ હતું. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી રોગોનો જડમૂળથી નાશ કરવામાં આવતો હતો. જે લાંબાગાળે સારો ફાયદો કરાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, નર્મદા જિલ્લો એક એવું સ્થળ છે જે વનરાજીઓથી આચ્છાદિત અને આયુર્વેદિક ઔષધિઓથી ભરપુર છે. આપણાં જંગલોમાંથી અનેક એવી જડીબુટ્ટીઓ મળી આવે છે જેનાથી આપણે રોગોને જડમૂળથી નાશ કરી શકીએ છીએ. રાજપીપલાની સરકારી આયુર્વેદિક ફાર્મસી દ્વારા જે દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે તેના થકી આજે ગુજરાતના આશરે ૫૬૦ જેટલાં દવાખાનાઓમાં આ દવાઓ પુરી પાડવામાં આવે છે, જે આપણા માટે ગૌરવની બાબત છે. આયુર્વેદિક દવાઓના ઉપયોગ થકી આપણા જીવનને સારું અને તંદુરસ્ત બનાવીએ તેવી સૌને અપીલ પણ કરી હતી.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામકશ્રી આયુષની કચેરી-ગાંધીનગર તથા નર્મદા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપલા દ્વારા આયોજિત આયુષ મેળામાં ઔષધીય વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, રસોડાની ઔષધીનું ચાર્ટ પ્રદર્શન, યોગા નિદર્શન, પંચકર્મ નિદર્શન તથા આયુર્વેદ હોમિયોપેથી નિદાન ચિકિત્સા સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. આયુષ મેળામાં વિશેષ રૂપે નિષ્ણાંતો દ્વારા પંચકર્મ સારવાર, સાંધા-મણકાના દુઃખાવામાં અગ્નિકર્મ સારવાર, સ્ત્રી-રોગ, બાળરોગ નિષ્ણાંતો દ્વારા સારવાર, ગર્ભસંસ્કાર અંગે માર્ગદર્શન તથા સ્વસ્થ જીવનશૈલી અંગે અનુભવી નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. જેમાં નાડી પરીક્ષણ, પ્રકૃતિ પરીક્ષણ તથા ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા રોગોની પણ સારવાર કરવામાં આવશે.
ઉક્ત આયુષ મેળામાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિલાંબરીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, જિલ્લાના મહિલા અગ્રણી ભારતીબેન દેશમુખ તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આયુષ મેળાના ઉદધાટન પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.નેહા પરમારે સ્વાગત પ્રવચન કરી સમગ્ર મેળાની રૂપરેખા પુરી પાડી હતી જ્યારે કાર્યક્રમના અંતે સરકારી આયુર્વેદિક કોલેજના અધિક્ષક ડૉ. માયાબેન ચૌધરીએ આભારદર્શન કર્યું હતુ.
આયુષ મેળાના ઉદધાટન બાદ ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ અને અધિકારીઓએ તમામ સ્ટોલની મુલાકાત લઇ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિની નિષ્ણાંત તબીબો પાસેથી માહિતી મેળવી હતી. આ મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આયુર્વેદિક ચિકિત્સાનો લાભ લીધો હતો.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા