મોરબી જિલ્લા કક્ષાનો ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક કાર્યક્રમ ટંકારામાં યોજાશે

મોરબી,

૭૧માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લામાં શાનદાર ઉજવણી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવશે.
ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા અને નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં શુક્રવારે કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણીમાં સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહપૂર્વક આ આયોજન અને ઉજવણીમાં જોડાય તેના પર ભાર મુકી ટંકારા પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થતામાં ટીડીઓ અને મામલતદારને સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને વેપારી મંડળ સાથે બેઠક યોજવા પણ અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અનુસંધાને વિવિધ સુચનો કરી કાર્યક્રમનું આયોજન ઉત્તમ કક્ષાનું થાય તેના પર ભાર મુક્યો હતો.
નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન જોષીએ બેઠકનું સંચાલન કરતાં ૨૬મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓને ધ્યાને લઇ સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી કરવા સુચનાઓ આપી હતી. આ બેઠકમાં પોલીસ પ્લાટુન, એન.સી.સી. હોમગાર્ડના જવાનો પોલીસ બેન્ડ સાથે માર્ચ પાસ્ટ તેમજ આ કાર્યક્રમમાં દેશભક્તિના માહોલને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્ય નમસ્કાર, યોગ અને પ્રાણાયામના કાર્યક્રમ યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતા ટેબ્લો પણ તૈયાર કરવામાં આવશે. આ ટેબ્લો ફોરેસ્ટ, આરોગ્ય, પીજીવીસીએલ, સુરક્ષા સેતુ, ટ્રાફિક, પાણી પૂરવઠા, વાસ્મો, ખેતીવાડી, શિક્ષણ, આઇસીડીએસ, ડિઝાસ્ટર, ડીઆરડીએ, ૧૦૮, ૧૮૧, અભયમ્ સહિત અન્ય વિભાગો દ્વારા પણ ટેબ્લો તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં સમગ્ર વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર કર્મચારીઓને પણ એવોર્ડ એનાયત કરવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.વી. વસૈયા, ડીવાયએસપી ડી.જી. ચૌધરી, નાયબ કલેક્ટર એચ.જી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, ટંકારા મામલતદાર બી.કે. પંડ્યા, ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા આયોજન અધિકારી જે.કે. બગીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, એઆરટીઓ જે.કે. કાપટેલ, પીજીવીસીએલના એચ.સી.ચારોલા, આરએન્ડબી વિભાગના જે.કે. ગોહિલ અને એ.એન. ચૌધરી, આઇસીડીએસ વિભાગના કોમલ ઠાકર સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment