આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

હિન્દ ન્યુઝ, દાહોદ 

    રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ અને ખાતર ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ અને ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.  

બિયારણ અને ખાતરની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ અને ખાતર ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણ અને ખાતરની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણ અને ખાતરની ખરીદી કરવી નહીં. 

ખાસ કરીને કપાસ પાકના બિયારણ અને ખાતરની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણ અને ખાતરના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ અને ખાતર વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. 

વાવણી બાદ ખરીદેલ બિયારણ અને ખાતરનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે. ભળતા નામે વેચાણ થતું ખાતરની બેગોની ખરીદી કરવી નહિ. ગામડાઓમાં સીધું વેચાણ કરવા આવનાર પાસે પણ ખાતરની ખરીદી કરવી નહિ એવી કાળજી રાખવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ) દાહોદ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment