હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા Leprosy Case Detection Campaign (LCDC) અંતર્ગત તા. ૧૦ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં સઘન સર્વે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ જિલ્લાના ૪.૪૨ લાખ ઘરોમાં મુલાકાત લઈ અંદાજિત ૨૬.૫૨ લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવશે. સર્વે કામગીરી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૨૬૭ ટીમોની રચના કરવામાં આવી છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને સમયસર શોધી તેમનું નિદાન અને સારવાર શરૂ કરીને રોગના ફેલાવાને અટકાવવાનો છે. લેપ્રસીના વધુમાં વધુ દર્દીઓ શોધી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. રોગના લક્ષણો દેખાવામાં ૬ વર્ષથી લઈને ૩૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.
રક્તપિત્તના મુખ્ય લક્ષણોમાં શરીર પર આછા અથવા ઝાંખા રંગના ચાઠાં, જેમાં સંવેદનાનો અભાવ હોય, ખંજવાળ ન આવતી હોય તેવા ચાઠાં તેમજ હાથ-પગમાં બહેરાશ કે ઝણઝણાટીનો સમાવેશ થાય છે. સમયસર નિદાન અને સારવાર ન થાય તો હાથ, પગ અને ચહેરા પર કાયમી વિકૃતિઓ સર્જાઈ શકે છે. MDT સારવારથી રક્તપિત્ત સંપૂર્ણપણે મટી શકે છે
રક્તપિત્તની મલ્ટી ડ્રગ થેરાપી (MDT) દ્વારા સંપૂર્ણ સારવાર શક્ય છે. સમયસર સારવાર શરૂ કરવાથી વિકૃતિઓને પણ અટકાવી શકાય છે. ઝુંબેશ દરમિયાન ટીમો દ્વારા ઘેર-ઘેર મુલાકાત લઈ શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓને ઓળખવામાં આવશે. ઉપરાંત ફેક્ટરી વસાહતો, ઈંટોના ભઠ્ઠા, જી.આઈ.ડી.સી. વિસ્તાર, હોસ્ટેલો તથા વૃદ્ધાશ્રમોને પણ આવરી લેવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓનું તબીબો દ્વારા નિદાન કરી જરૂરી સારવાર ત્વરિત શરૂ કરવામાં આવશે.
આ ઝુંબેશના સફળ અમલીકરણ માટે આજે દાહોદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન (LCDC) અંતર્ગત મેડિકલ ઓફિસરો દ્વારા હેલ્થ સ્ટાફ અને આશા બહેનોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન સર્વેની પદ્ધતિ, રોગના લક્ષણોની ઓળખ, દર્દીઓનું રેફરલ તથા સારવાર અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
