હિન્દ ન્યુઝ, વેરાવળ
વેરાવળ ખાતે વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીની અધ્યક્ષતામાં વિચરતા અને વિમુક્ત સમુદાયોની સમસ્યાઓ, પડકારો, તકો અને વિકાસ વિશે એકદિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી.
વેરાવળના રાજેન્દ્રભૂવન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ એક દિવસીય ચિંતન શિબિરમાં જિલ્લાના છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી યોજનાના લાભ પહોંચાડવા સહિત શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ચિંતન શિબિરના અધ્યક્ષ ભરતભાઈ પટણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, છેવાડાનો માનવી પણ મુખ્યધારામાં આવે તો જ વિકસિત સમાજનું યોગ્ય રીતે નિર્માણ થઈ શકે છે. પરસ્પરના સહકાર થી સશક્ત સમાજનું નિર્માણ અને સશક્ત સમાજ થકી વિકાસની વિભાવના સાકાર થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘દરિદ્રનારાયણ દેવો ભવ:’નૂ સૂત્ર લક્ષ્યમાં રાખી અને છેવાડાના માનવી માટેની નાગરિકહિતલક્ષી યોજનાઓ કાર્યરત છે. જેનો તમામે અચૂક લાભ લેવો જોઈએ.
