હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લા વહીવટીતંત્ર તથા આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO)ના સંયુક્ત ઉપક્રમે ADIP યોજના તથા વયોશ્રી યોજના અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોળી પટેલ સમાજની વાડી ખાતે બે દિવસીય કેમ્પમાં પ્રથમ દિવસે નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કેન્દ્રીય જળશકિતમંત્રી સી.આર.પાટીલ તથા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોનું વિતરણ કરાયું હતું. આ અવસરે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, તાલુકા પંચાયતના પ્રમુખમતી, ગણદેવી નગરપાલિકાના પ્રમુખ, પ્રાંત અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, એલીમ્પકોના રીજનલ ડાયરેકટર તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત ૯૧૭ જેટલા વયોશ્રી લાભાર્થીઓને રૂા.૬૯ લાખના સાધનો તથા ૨૭૪ દિવ્યાંગોને ૨૮.૨૯ લાખ મળી કુલ ૧૧૯૧ જેટલા દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોને રૂા.૯૭.૩૯ લાખના જરૂરિયાત મુજબના સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને સહાયક ઉપકરણો સરળતાથી મળી રહે અને તેમને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભગા દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ, ભારતીય કૃત્રિક અંગ નિર્માણ નિગમ ભારત સરકાર તથા વહીવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું.
આગામી સમયમાં તાલુકાવાર સહાયક ઉપકરણ વિતરણ કામગીરી હાથ ધરાશે.
આગામી સમયમાં વાંસદા તાલુકામાં તા.૧૬ અને તા.૧૭મી સપ્ટે.ના રોજ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત શ્રી એમ.પી. કાપડીયા હાઈસ્કૂલ, ગંગપુર ખાતે, ખેરગામ તાલુકામાં તા.૧૯મી સપ્ટે.ના રોજ ખેરગામ મામલતદાર કચેરી ખાતે, ચીખલી તાલુકામાં તા.૫ અને તા.૬ ઓકટો. ના રોજ દિનકર ભવન હોલ, મજીગામ ખાતે, જલાલપોર તાલુકામાં તા.૮મી ઓકટોમ્બરે મંદિર ગામ ખાતે ગ્રામ પંચાયત હોલ તથા તા. ૯મી ઓકટો.ના રોજ મહુવર ગામે કોળી સમાજની વાડી ખાતે, નવસારી (ગ્રામ્ય)માં તા.૧૨મી ઓકટો.ના રોજ પીનસાડ ખાતે દામોદેશ્વર કોમ્યુનિટી હોલ, તા.૧૩ અને તા.૧૪મી ઓકટો. રોજ ખડસુપા, અધટગામ ખાતે કોળી પટેલ સમાજ હોલ ખાતે, નવસારી શહેરમાં તા.૧૬ અને તા.૧૭મી ઓકટો.ના રોજ નવસારી મહાનગરપાલિકા ટાઉનહોલ, દેવીના પાર્ક, નવસારી ખાતે એસેસમેન્ટ કેમ્પો યોજાશે. ઉપરોક્ત તમામ કેમ્પનો સમય સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે.
