વિકસિત ભારત ક્વિઝઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિચારો રજૂ કરવાની યુવાનોને મળશે તક

હિન્દ ન્યુઝ, વલસાડ 

    યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળ માય ભારત, વલસાડ દ્વારા જિલ્લાના 15 થી 29 વર્ષની વયજૂથના યુવાનોને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) -2027 ક્વિઝમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવાની તક મળશે. 

વિકસિત ભારત @2047ના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પુનર્ગઠન વિકસિત ભારત યુવા સંવાદ તરીકે કરવામાં આવ્યું છે. તેના માધ્યમથી યુવાનોને રાષ્ટ્રનિર્માણ, નેતૃત્વ, નવીનતા અને સર્જનાત્મક ચિંતન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ ક્રમમાં 30માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ – વિકસિત ભારત યુવા સંવાદ 2027નું આયોજન કરવામાં આવનાર છે, જેમાં 15થી 29 વર્ષની વયના યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. 

વિકસિત ભારત યુવા સંવાદની પસંદગી પ્રક્રિયા પાંચ તબક્કામાં યોજાશે. (1). ક્વિઝ (2). નિબંધ લેખન, (3). જિલ્લા ચેમ્પિયનશિપ અને પ્રસ્તુતિ, (4). રાજ્ય સ્તરીય સંવાદ અને પ્રસ્તુતિ (5). રાષ્ટ્રીય સંવાદ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. સફળ પ્રતિભાગીઓને પોતાની નેતૃત્વ ક્ષમતા અને વિચારો રજૂ કરવાની સાથે વિકસિત ભારત @2047 ની પરિકલ્પનામાં યોગદાન આપવાની તક મળશે.

 માય ભારત, વલસાડના જિલ્લા યુવા અધિકારી શ્રી આયુષ ચૌધરીએ જિલ્લાના તમામ પાત્ર યુવાનો, શાળાઓ, મહાવિદ્યાલયો તથા યુવા સંગઠનોને અપીલ કરી છે કે, તેઓ વધુમાં વધુ યુવાનોને વિકસિત ભારત ક્વિઝમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે. નોંધણી અને વધુ વિગતવાર માહિતી માટે MY Bharat Portalની મુલાકાત લેવા જણાવાયુ છે. આ અંગે વધુ માહિતી માટે શ્રી આયુષ ચૌધરી, જિલ્લા યુવા અધિકારી, માય ભારત, વલસાડનો કચેરી ફોન નં. 9824685827 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Related posts

Leave a Comment