માટીના ગણપતિ બાપ્પા થકી પર્યાવરણ બચાવવાના મહાસંકલ્પ સાથે વલસાડની મહિલાની અનોખી પહેલ

હિન્દ ન્યુઝ, વલસાડ 

    આગામી દિવસોમાં આસ્થા અને શ્રદ્ધાનો મહાપર્વ ગણેશ ચતુર્થી આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ગણેશજીની સ્થાપનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તહેવારો આપણી આસ્થા અને પવિત્રતાના પ્રતીક છે, પરંતુ બદલાતા સમય સાથે ગણેશ મહોત્સવમાં પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓના વધતા ઉપયોગથી પર્યાવરણ સામે ગંભીર પડકાર ઊભો થયો છે. આવી સ્થિતિમાં નદી, જળાશયો અને સમુદ્ર તેમજ તેમાં વસતા જળચર જીવો અને સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’માં પી.ઓ.પી.ની મૂર્તિઓનો ઉપયોગ ટાળવા તેમજ સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવતી શુદ્ધ માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ સ્થાપિત કરવા અને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા દેશવાસીઓને આહવાન કર્યું છે.

વડાપ્રધાનશ્રીના આ સંદેશને વલસાડની ચૈતાલીબેન રાજપૂત અને તેમની મહિલા ટીમ ખરા અર્થમાં સાકાર કરી રહી છે. જેઓ કલકત્તા અને મોરબીથી વિશેષ માટી મંગાવીને શુદ્ધ માટીના ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે.

ફાઈન આર્ટ્સમાં એપ્લાઈડ આર્ટનો અભ્યાસ પૂર્ણ કરનાર ચૈતાલીબેને વર્ષ ૨૦૧૬માં માત્ર માટી અને પાણીના મિશ્રણથી એક માટીની ગણેશ મૂર્તિ બનાવીને આ કાર્યની શરૂઆત કરી હતી. તેમની હસ્તકલાને લોકોનો વ્યાપક પ્રતિસાદ મળતાં દર વર્ષે તેઓ મૂર્તિઓની સંખ્યા વધારતા ગયા. ચાલુ વર્ષે તેમણે ૬ ઈંચથી લઈને સાડા ત્રણ ફૂટ સુધીના કદની અંદાજે ૬૦ જેટલી માટીની ગણેશ મૂર્તિઓ તૈયાર કરી છે.

આ અંગે કલાકાર ચૈતાલીબેન રાજપૂત જણાવે છે કે, સમગ્ર ભારતમાં તેઓ એકમાત્ર મહિલા છે કે જેઓ મહિલા ટીમ સાથે મળીને આ પ્રકારનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ ક્ષેત્રમાં પુરુષ કારીગરોનું પ્રમાણ વધુ જોવા મળે છે, ત્યારે મહિલા ટીમ સાથે મળીને આ કાર્ય કરવું મારા માટે ગૌરવની વાત છે.

ચૈતાલીબેનના જણાવ્યા મુજબ, પી.ઓ.પી.ની મૂર્તિઓ અને તેમાં વપરાતા રાસાયણિક રંગો જળસ્રોતો માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ રસાયણો પાણીમાં ભળવાથી જળચર જીવો તેમજ માનવ સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. મોટી મૂર્તિઓમાં સળિયાનો ઉપયોગ થતો હોવાથી વિસર્જન બાદ કાચબા, માછલી સહિતના જળચર જીવો તેમાં ફસાઈને મરી જાય છે.

આ ઉપરાંત, સૌથી વધુ દુઃખની વાત એ છે કે, નદી અને સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવેલી પી.ઓ.પી.ની મૂર્તિઓ બીજા દિવસે ખંડિત હાલતમાં કાંઠા પર રઝળતી જોવા મળે છે. આ સ્થિતિ આપણી આસ્થા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની ભાવનાને પણ ઠેસ પહોંચાડે છે.

તેઓ જણાવે છે કે, પી.ઓ.પી.ની મૂર્તિને પાણીમાં ડુબાડવી એ ખરા અર્થમાં વિસર્જન નથી, પરંતુ માત્ર મૂર્તિને પાણીમાં ડુબાડવાનો દેખાડો છે. સાચું અને સાત્વિક વિસર્જન તો એ જ છે, જેમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક પૂજા કર્યા બાદ શુદ્ધ માટીની મૂર્તિનું વિસર્જન કરે અને મૂર્તિ પાણીમાં ઓગળીને ફરીથી પ્રકૃતિમાં ભળી જાય. આનાથી પવિત્ર બીજી કોઈ પૂજા હોઈ શકે નહીં.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ‘મન કી બાત’માં સ્થાનિક કલાકારોને રોજગારી અને આજીવિકાની તકો મળે તે માટે ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા તેમજ પર્યાવરણ અને જળસ્રોતોના રક્ષણ માટે પી.ઓ.પી.નો બહિષ્કાર કરી માટીની ગણેશ મૂર્તિ સ્થાપિત કરવા દેશવાસીઓને અપીલ કરી હતી, તેમના આહવાન બાદ લોકોમાં માટીની મૂર્તિઓ અંગે જાગૃતિ વધી રહી છે.

ચૈતાલીબેનનું માનવું છે કે, આ હસ્તકલા ટકી રહે અને તેને વધુ પ્રોત્સાહન મળે તો હજારો મહિલાઓ આ ક્ષેત્ર સાથે જોડાઈને રોજગારી મેળવી શકે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકે. મહિલા સશક્તિકરણની જીવંત મિસાલ સમાન ચૈતાલીબેન દરેક શ્રીજી ભક્તને સંદેશ આપતાં કહે છે કે, ચાલો, આપણે સૌ સાથે મળીને પી.ઓ.પી.ની મૂર્તિઓને કાયમ માટે ‘બાય-બાય’ કહીએ અને શુદ્ધ પર્યાવરણ માટે માટીના શ્રીજી જ અપનાવીએ.


સ્કૂલમાં પર્યાવરણના પાઠ ભણ્યા અને પોકેટ મનીમાંથી માટીના બાપ્પા ખરીદ્યા

કલાકાર ચૈતાલીબેન રાજપૂત જણાવે છે કે, શાળામાં બાળકોને પર્યાવરણ જાળવવા અને તેનું સંરક્ષણ કરવા અંગે શીખવવામાં આવે છે. આ શીખને જીવનમાં ઉતારીને કોસંબા ગામમાં રહેતા અને કુસુમ વિદ્યાલયમાં ભણતા બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી શુદ્ધ માટીની ગણેશ મૂર્તિઓ હોંશેહોંશે ખરીદી કરવા આવ્યા હતા, બાળકોનો ઉત્સાહ જોઈને મેં પણ તેમને અડધા ભાવે મૂર્તિ આપી હતી. આ ઉપરાંત, સિનિયર સિટિઝનો માતે નદી કે સમુદ્રના કાંઠે ભીડમાં જઈને બાપ્પાનું વિસર્જન કરવું મુશ્કેલ હોય તેઓ પોતાના ઘરઆંગણે જ મૂર્તિનું વિસર્જન કરી શકે તે માટે માટીની મૂર્તિ ખરીદે છે. 

Related posts

Leave a Comment