હિન્દ ન્યુઝ, જૂનાગઢ
સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોના અનુસંધાને “ઘન કચરા વ્યવસ્થાપન નિયમો–૨૦૨૬ SWM Rules–2026” ના અસરકારક અમલીકરણ માટે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન દ્વારા અમરેલી ખાતે પ્રાદેશિક સ્તરીય એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર ઝોન હેઠળની અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓને ઘન કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તથા નવા નિયમોના અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વર્કશોપ દરમિયાન ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GEMI ના ડેપ્યુટી એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર DEEશ્રી પરેશ ચાવડાએ SWM Rules–2026 અંતર્ગત ચૂંટાયેલી પાંખની ભૂમિકા અને જવાબદારીઓ, બલ્ક વેસ્ટ જનરેટર માટેની ફરજો, EBWGR પ્રમાણપત્ર તથા CPCB પોર્ટલ પર સમયમર્યાદામાં કરવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ કન્સેપ્ટ બાયોટેક અને કચ આઝાદી ફાઉન્ડેશન, વડોદરાના પ્રોપ્રાઈટર ડૉ. સુનીત ડબકેએ કચરાના ચાર પ્રકારમાં વૈજ્ઞાનિક વર્ગીકરણ, બલ્ક વેસ્ટ જનરેટરની ઓળખ અને નોંધણી, કચરો ઉત્પન્ન કરનાર તેમજ શહેરી સ્થાનિક સંસ્થાઓની જવાબદારીઓ અને સુપ્રીમ કોર્ટના આદેશોના અનુસંધાને કરવાનાં કાર્યો અંગે સચોટ માહિતી આપી હતી.
વર્કશોપના અંતિમ સત્રમાં બી.એ. પ્રેરણા ગ્રુપ ઓફ કંપનીઝ, સુરતના શ્રી નિરજ મીઠાણીએ ડમ્પ સાઇટની યોગ્ય ઓળખ, જૂના ડમ્પ કચરાના વૈજ્ઞાનિક નિકાલ, બાયો-રિમેડિએશન તેમજ ઘન કચરાના સુવ્યવસ્થિત સંચાલન માટે જરૂરી ટેકનિકલ પાસાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રાદેશિક વર્કશોપ દ્વારા ચારેય જિલ્લાઓની નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓને ઘન કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, પર્યાવરણ સંરક્ષણ, કાયદાકીય જોગવાઈઓના અસરકારક અમલીકરણ અને સ્વચ્છ, ટકાઉ શહેરી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. વર્કશોપ દરમિયાન વિવિધ નગરપાલિકાઓના પ્રતિનિધિઓએ પોતાના અનુભવો અને પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેના આધારે વિષય નિષ્ણાતોએ વ્યવહારુ માર્ગદર્શન આપી નિયમોના અસરકારક અમલીકરણ માટે માર્ગદર્શિકા પણ સ્પષ્ટ કરી હતી.
વર્કશોપમાં પ્રાદેશિક કમિશ્નર સુનીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અધિક કલેક્ટર ડી.એન.સતાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ચારેય જિલ્લાઓની વિવિધ નગરપાલિકાઓના પ્રમુખઓ, પદાધિકારીઓ, ચીફ ઓફિસરઓ, સિટી મેનેજરશ્રીઓ અને સેનેટરી ઇન્સ્પેક્ટરઓ તેમજ ઝોનલ મેનેજરશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
