લિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ અને રાજકુમારી સોફી વડોદરાની લીધી મુલાકાત

હિન્દ ન્યુઝ, વડોદરા 

   ભારતની રાજદ્વારી મુલાકાતે પધારેલા જર્મની નજીક આવેલા યુરોપિયન દેશ લિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી સોફીએ વડોદરા જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ સાવલી સ્થિત હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટની મુલાકાત લઈ કંપનીની કામગીરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી.

સાવલી સ્થિત હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટ ખાતે રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી સોફીએ કંપની દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ ઉત્પાદન પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કંપનીના અધિકારીઓ દ્વારા તેમને ઉત્પાદન એકમની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા તથા ઔદ્યોગિક ક્ષેત્રે કંપનીની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વેપારી સંબંધો, ઔદ્યોગિક સહયોગ તથા પરસ્પર આર્થિક સંબંધોને વધુ સુદૃઢ બનાવવા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ મુલાકાતથી ભારત અને લિચેસ્ટેન વચ્ચેના વેપારી તથા ઔદ્યોગિક સંબંધોને નવી દિશા મળે તેવી સંભાવનાઓ અંગે પણ મહત્વપૂર્ણ સંવાદ થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં મેઇક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત વડોદરા શહેર અને આસપાસ સ્થાપાયેલા ઉદ્યોગોએ ઔદ્યોગિક ઉત્પાદનોમાં નામના મેળવી છે. વિદેશમાં નિકાસ કરી દેશને હુંડિયામણ રળી આપવા ઉપરાંત રોજગારી સર્જનમાં આ ઉદ્યોગો મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. 

હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટની મુલાકાત બાદ રાજકુમાર શ્રી અલોઇસ તથા રાજકુમારી શ્રી સોફીએ વડોદરાના ઐતિહાસિક અને ભવ્ય વારસાના પ્રતીક સમાન લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, ઐતિહાસિક વારસો અને સ્થાપત્ય વૈભવની ઝલક નિહાળવાની તક તેમને મળી હતી. રાજવી પરિવારના શુભાંગિનીદેવી ગાયકવાડ અને સમરજીત ગાયકવાડે આ વિદેશી મહેમાનોને આવકાર્યા હતા. 

બંને રાજદ્વારી મહાનુભાવોનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સચિવ જ્વલંત ત્રિવેદી, વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા હિલ્ટી ઇન્ડિયાના સીઈઓ ગિરિધર જમુનાથન ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment